– ફટાકડાંનું વેચાણ કરતા એકમોમાં તપાસ
– યસ સિઝનલ સ્ટોર્સ, મયુર સેલ્સ અને વિનાયક સિઝનેબલ સ્ટોર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ
આણંદ : આણંદ શહેરમાં સરદાર ગંજ ખાતે આવેલી યસ સિઝનલ સ્ટોર્સ, મયુર સેલ્સ અને વિનાયક સિઝનેબલ સ્ટોર્સ તપાસ કરાતા એનઓસી વગરના જણાયા હતા. આણંદ મનપાના ફાયર વિભાગ દ્વારા એનઓસી વગરના ત્રણેય એકમને સીલ કરી દેવાયા છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર ગંજમાં આવેલી દુકાનોમાં ફટાકડાંનું વેચાણ કરતા દુકાનદારો પાસે ફાયર એનઓસી છે કે કેમ તેની મનપાના ફાયર વિભાગની ટીમ દ્વારા આજે ચકાસણી કરાઈ હતી.
જેમાં ચકાસણી દરમિયાન સરદાર ગંજ ખાતેની યસ સિઝનલ સ્ટોર્સ, મયુર સેલ્સ અને વિનાયક સિઝનેબલ સ્ટોર્સ ખાતે તપાસ કરતા તેઓની દુકાન ખાતેથી ફટાકડા મળી આવ્યા હતા, પરંતુ જરૂરી ફાયર એનઓસી ના હોવાને કારણે તાત્કાલિક અસરથી આ ત્રણેય સ્ટોર્સ સીલ કરવામાં આવ્યા છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ટયુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, મોટા કોમશયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ કે જેમની પાસે ફાયર એનઓસી નથી, જે તાત્કાલિક અસરથી ફાયર ઓફિસર, વડોદરાની કચેરીએથી એનઓસી મેળવી લેવા તાકીદ કરાઈ છે. ત્યારે આણંદ મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ અંતર્ગત જે એકમે ફાયર એનઓસી મેળવેલી નહીં હોય તેને ત્વરિત સીલ કરવામાં આવશે તેવું મનપા દ્વારા જણાવાયું છે.