– એક બાજુ ખેડૂતોને પાણી માટે સંઘર્ષ, બીજી બાજુ ૩૦ થી ૪૦ ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા નુકસાન
વિરપુર : મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ નજીકથી પસાર થતી ભાદર માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોના ઉભા ખેતરોમાં પાણી ફરી વળતાં મુશ્કેલી ઉભી થઈ છે કેનાલમાં ભંગાણ સર્જાતા આશરે ૩૦ થી ૪૦ ખેતરોમાં પાણી ઘૂસી ગયું, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે.
પહાડિયા વિસ્તારમાં ભાદર માઇનોર ૩ નંબરની કેનાલ પસાર થાય છે, જેનો હેતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. પરંતુ સતત ભંગાણ અને ગાબડા પડવાના કારણે ખેતી માટે મહત્વપૂર્ણ ગણાતું પાણી જરૂર હોય ત્યારે નથી મળતુ અને ખેતરોમાં પાક ઉભો હોય ત્યારે ગાબડા પડવાના કારણે પાણી ખેતરોમાં ભરાઇ જતા નુકસાન થઇ રહ્યું છે.
તાજેતરમાં જ માઈનોર ભાદર કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયું, જેના કારણે મકાઈ, ઘઉં, સુઢીયા અને ઘાસચારા સહિતના પાકોને નુકસાન થયું. કેટલાક પાક કાપવાની તૈયારીમાં હતા, જ્યારે કેટલાક પાક ખેતરમાં કાપીને પડેલા હોવાથી પાણી ભરાતા બગડી ગયા. વધુમાં ખેતરોમાં ઊગી રહેલા ઘાસચારો પણ પલડી ગયો, પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોને જીવ તાળવે ચોંટયો છે ભાદર માઇનોર કેનાલની બેદરકાર વ્યવસ્થા અને તંત્રની ઉદાસીનતા ખેડૂતો માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે.
જો તાત્કાલિક કોઈ પગલા નહીં લેવાય, તો આગામી સમયમાં ખેડૂતોની આથક સ્થિતિ વધુ ખરાબ થવાની ભીતિ છે. ખેડૂતોની માંગ છે કે કેનાલને બંધ કરવી જોઈએ, અથવા તંત્ર તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરે.
વારંવાર ગાબડા પડવાની સમસ્યાના કારણે કેનાલને બંધ કરી દો
ખેડૂતો કહે છે કે કેનાલનું તંત્ર પાણી છોડવાની સાવચેતી રાખતું નથી. જ્યારે જરૂર હોય ત્યારે પાણી પૂરું પાડવામાં આવતું નથી, અને જ્યારે પાણીની જરૂર ન હોય ત્યારે કેનાલ તૂટી જતા નુકસાન થાય છે. કેનાલને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે, કારણ કે તે સતત નુકસાન પહોંચાડી રહી છે. દર વર્ષે યોગ્ય જાળવણી થતી નથી એટલે ભંગાણો વારંવાર થાય છે જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થાય છે.
ડેપ્યુટી એન્જિનિયરને તો ભંગાણ થયું છે તેની જાણકારી જ નથી
ભાદર માઇનોર કેનાલના ડેપ્યુટી એન્જિનિયર અતુલ પાંડેનું કહેવું છે કે કેનાલમાં ભંગાણ થયું છે જેની કોઈ પણ ખેડૂત કે અન્ય દ્વારા મારા સુધી જાણ કરાઈ નથી તેમ છતાં અમારા સ્ટાફને આ બાબતની જાણ કરી સ્થળ પર વિજીટ કરાવીશુ સ્થળનુ નિરીક્ષણ કર્યા બાદ જેસીબીના મદદથી કેનાલમાં પડેલા ભંગાણ રીપેર કરવામાં આવશે.