મુંબઇ : વિશ્વને અસાધારણ વેપાર યુદ્વમાં ધકેલીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો પર અપેક્ષાથી વધુ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરીને વિશ્વના વેપાર સમીકરણો આગામી દિવસોમાં ધરમૂળ બદલાઈ જવાના સંકેત આપ્યા સાથે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચાવી છે. યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલે પણ અમેરિકામાં ફુગાવો-મોંઘવારી વધી રહી હોઈ વ્યાજ દરમાં ઘટાડો કરવાની ઉતાવળ નહીં કરે એવું સ્પષ્ટ કહી દેતાં સંકટના વાદળો વધુ ઘેરાયા છે. જેપી મોર્ગન દ્વારા અમેરિકા મંદીમાં ખાબકી જવાની આગાહી કરાઈ છે. મંદીના ફફડાટ અને ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાના સંકેત વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૪.૯૬ ડોલર તૂટીને ૬૧.૯૯ ડોલર, બ્રેન્ટ ક્રુડ ૪.૫૬ ડોલર ગબડીને ૬૫.૫૮ ડોલરની ચાર વર્ષની નીચી સપાટીએ આવી ગયા છે.
આ ટ્રેડ વોર અમેરિકાની સ્થિતિ કફોડી કરવાની સ્થિતિમાં રોલબેક અને વાટાઘાટનો દોર શરૂ થવાની સ્થિતિમાં જ વૈશ્વિક બજારોમાં વંટોળ શાંત થશે અન્યથા ઘણા દેશોની મુશ્કેલી વધવાની સ્થિતિમાં વિશ્વના બજારોમાં અસાધારણ ડામાડોળ સ્થિતિ સર્જાઈ શકે છે. જેથી આ પરિસ્થિતિ અને અસાધારણ અનિશ્ચિતતાના વર્તમાન દોરમાં નવા રોકાણમાં ફરી હાલ તુરત શાંત રહેવું સલાહભર્યું છે. ગિફ્ટ નિફટીનો આંક ૬૧૫ પોઈન્ટના કડાકે ૨૨૩૪૩ના તળીયે બતાવાઈ રહ્યો છે. ચાઈનાના આકરાં તેવર સામે ટ્રમ્પ ભારત માટે કોઈ સમજૂતી કરવા કે ભારત યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ઝડપ કરે છે કે એના પર અને સોમવારે એશીયાના અન્ય બજારો ખુલ્યા બાદ બજારની રૂખ કેવી રહેશે એના પર સૌની નજર રહેશે. આગામી સપ્તાહમાં ગુરૂવારે ૧૦, એપ્રિલના રોજ મહાવીર જયંતી નિમિતે શેર બજારો બંધ રહેશે. વૈશ્વિક કડાકા અને વૈશ્વિક અનિશ્ચિતતાના પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડિંગ દિવસના સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૧૧૧ની પ્રતિકારક સપાટીએ ૨૨૬૬૬ નીચે બંધ થતાં ૨૨૫૫૫ અને સેન્સેક્સ ૭૬૧૧૧ની પ્રતિકારક સપાટીએ ૭૬૬૬૬ નીચે બંધ થવાના સંજોગોમાં ૭૬૩૩૩ જોવાય એવી સંભાવના રહેશે.
અર્જુનની આંખે : Mayur Uniquoters Ltd.
બીએસઈ(૫૨૨૨૪૯), એનએસઈ (MAYURUNIQ) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ,ધરાવતી, ISO 9001(Quality Management System), ISO 14001(Enviornment Management System), IATF 16949(Automotive Quality Managment), ISO 45001 OHSMS, ISO 27001 & TISAX(Information security management system) CERTIFIED, મયુર યુનિક્વોટર્સ લિમિટેડ(Mayur Uniquoters Ltd.) કંપની રીલીઝ પેપર ટ્રાન્સફર કોટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં આર્ટિફિશિયલ લેધરનું મેન્યુફેકચરીંગ કરતી સૌથી મોટી કંપની છે. છેલ્લા ત્રણ દાયકામાં કંપનીએ તેની માસિક ૨.૫૦ લાખ લાઈનર મીટર ઉત્પાદનની ક્ષમતાથી વધારીને હવે સાત પીવીસી કોટિંગ લાઈનો થકી માસિક ૩૫ લાખ લાઈનર મીટર ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરી છે. કંપનીએ તેના મોરીના સ્થિત પીયુ કોટિંગ પ્લાન્ટમાં કામગીરીની શરૂઆત આરંભિક વાર્ષિક ૫૦ લાખ લાઈનર મીટર સાથે કરી છે, જે ક્ષમતા વિસ્તારીને વાર્ષિક ૨૦૦ લાખ લાઈનર મીટર સુધી કરી શકાય એમ છે.
વૈશ્વિક અસ્તિત્વ : કંપની યુનાઈટેડ કિંગ્ડમ, બેલજીયમ, હોલેન્ડ, લીથુએનિયા, પોલેન્ડ, રશીયા, ચાઈના, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ, શ્રીલંકા, મલેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, ઓમાન, કેન્યા, સાઉદી અરેબિયા, કતાર, યુ.એ.ઈ., ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, જોર્ડન, ઓસ્ટ્રીયા, પોર્ટુગલ અને યુ.એસ.એ.માં અસ્તિત્વ ધરાવે છે.
બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૧૨માં ૧:૧ શેર બોનસ અને વર્ષ ૨૦૧૪માં ૧:૧ શેર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ અને બોનસ ઈસ્યુ : વર્ષ ૨૦૧૨થી દર વર્ષે ૧૩ વર્ષ કંપનીએ ડિવિડન્ડની ચૂકવણી કરીને અને શેરનું રૂ.૧૦થી રૂ.૫માં વિભાજન કરીને શેરહોલ્ડરના મૂલ્યમાં વધારો કર્યો છે.
બાયબેક : નવ વર્ષમાં ચાર બાયબેક ઈસ્યુ : ઓગસ્ટ ૨૦૧૬માં કંપનીએ કુલ પેઈડ-અપ કેપિટલના ૭.૩૧ ટકા શેર કેપિટલ ૪,૫૦,૦૦૦ શેરોનું શેર દીઠ રૂ.૨૦૦૦ ભાવે રૂ.૯૦ કરોડનું બાયબેક કર્યું હતું. (૨) નવેમ્બર ૨૦૧૭માં કંપનીએ કુલ પેઈડ-અપ કેપિટલના ૦.૯૮ ટકા ૪,૫૦,૦૦૦ શેરોનું શેર દીઠ રૂ.૫૫૦ ભાવે કુલ રૂ.૨૫ કરોડનું બાયબેક કર્યું હતું. (૩) નવેમ્બર ૨૦૨૦માં કુલ પેઈડ-અપ કેપિટલના ૧.૬૫ ટકા ૭,૫૦,૦૦૦ શેરોનું શેર દીઠ રૂ.૪૦૦ ભાવે કુલ રૂ.૩૦ કરોડની રકમથી બાયબેક કર્યું હતું. (૪) ફેબુ્રઆરી ૨૦૨૨માં કંપનીએ કુલ પેઈડ-અપ કેપિટલના ૧.૪૦ ટકા ૬,૨૫,૦૦૦ શેરોનું શેર દીઠ રૂ.૬૫૦ ભાવે કુલ રૂ.૪૦ કરોડથી બાયબેક કર્યું હતું.
શેર હોલ્ડિંગ પેટર્ન :
બગારિયા ફેમિલિ-જયપુર પાસે ૫૮.૫૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, નાણા સંસ્થાઓ પાસે ૩.૩૧ ટકા, એફઆઈઆઈઝ પાસે ૩.૧૮ ટકા, એચએનઆઈઝ અને અન્યો પાસે ૧૩.૮૨ ટકા તેમ જ રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૨૧.૧૦ ટકા છે.
બુક વેલ્યુ : માર્ચ,૨૦૨૨માં રૂ.૧૫૯, માર્ચ,૨૦૨૩માં રૂ.૧૭૨, માર્ચ ,૨૦૨૪માં રૂ.૧૯૭, માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત રૂ.૨૩૦, માર્ચ ૨૦૨૬માં અપેક્ષિત રૂ.૨૬૬
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક ૫.૩૦ ટકા વધીને રૂ.૮૩૫ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૬૧ ટકા થકી ચોખ્ખો નફો ૧૭.૩૦ ટકા વધીને રૂ.૧૨૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૭.૮૬ હાંસલ કરી છે.
(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : નવમાસિક ચોખ્ખી આવક ૮.૫૭ ટકા વધીને રૂ.૬૫૯ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૬.૩૮ ટકા થકી ચોખ્ખો નફો ૨૦ ટકા વધીને રૂ.૧૦૮ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૨૪.૬૪ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ :અપેક્ષિત ચોખ્ખી આવક ૧૦ ટકા વધીને રૂ.૨૫૧ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૪.૫૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૬.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮.૪૦ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :અપેક્ષિત ચોખ્ખી આવક ૯ ટકા વૃદ્વિએ રૂ.૯૧૦ કરોડ મેળવી એનપીએમ ૧૫.૮૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૪૪.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૩૩.૦૪ અપેક્ષિત છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :અપેક્ષિત ચોખ્ખી આવક ૧૦ ટકા વૃદ્વિએ રૂ.૧૦૦૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૫.૮૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૫૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૬.૬૦ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૬.૬૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૬૬ સામે મયુર યુનિક્વોટર્સ લિમિટેડનો રૂ.૫ પેઈડ-અપ શેર બીએસઈ, એનએસઈ પર રૂ.૪૯૦ના ભાવે, ઉદ્યોગના સરેરાશ ૪૮ના પી/ઇ સામે ૧૩ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.