– ધોળા જં.ગામે પત્નીની હત્યા કરનારો પતિ ઝડપાયો
– ઉમરાળા પોલીસે હત્યારા પતિને ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્ટ કર્યું, છરી કબ્જે લેવાઈ
ભાવનગર : ઉમરાળા તાલુકાના ધોળા જં.ગામે પત્નીની હત્યા કરનારા પતિને ઉમરાળા પોલીસે ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્ટ કર્યું હતું. જેમાં પતિ પત્ની હત્યાના ઈરાદે જ સાસરે ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સાસરું ધરાવતા સોનલબેન સંજયભાઈ પાટડિયા (ઉ.વ.૪૦)ના ચારિત્ર્ય પર તેમના પતિ સંજય પાટડિયાને શંકા હોવાથી આ મામલે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા જેના કારણે પરિણીતા સોનલબેન છેલ્લા સાત મહિનાથી ઉમરાળા તાલુકાના ધોળા જં. ગામે આવેલાં પોતાના પિયરમાં રહેતા હતા. દરમિયાનમાં ગતરોજ બપોરના સમયે સમાધાનની વાત કરવા માટે પતિ સંજય સાસરે ગયો હતો અને સમાધાનની ચર્ચા દરમિયાન પતિ-પત્નીને રસોડામાં ફરી ઝઘડો થતાં પતિએ ઉશ્કેરાઈને પત્ની સોનલબેનના શરીર પર છરીના ઘા મારી તેમની હત્યા કરી નાસી છુટયો હતો. આ અંગે મૃતકના માતા વસંતબેન રાઠોડે જમાઈ વિરૂદ્ધ ઉમરાળા પોલીસમાં હત્યા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના પગલે આજે બપોરના સુમારે આરોપી સંજય પરશોત્તમ પાટડિયા (રહે.સિહોર)ને ઝડપી લીધો હતો અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી કબ્જે લઈ હત્યાની ઘટનાનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્ટ કરાવ્યું હતું. તેમજ આવતીકાલ રવિવારે રિમાન્ડની માંગણી સાથે આરોપીને ઉમરાળા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પત્નીની હત્યા કરવાના ઈરાદે જ આરોપી પતિ સંજય પાટડિયા સાસરિયે આવ્યો હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી.