Ram Navami in kolkata: રામનવમીનો ઉત્સવ આજે (6 એપ્રિલ) સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં શોભાયાત્રા અને રેલીઓ યોજાઈ હતી. ત્યારે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. સુકાંતા મજૂમદારે મોડી રાત્રે દાવો કર્યો કે, કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામનવમી શોભાયાત્રા પર હુમલો થયો છે. જેને લઈને તેમણે રાજ્યની મમતા સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ આ હુમલાને પૂર્વ-નિયોજિત અને ટાર્ગેટેડ હિંસા ગણાવી.
ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારે X પર લખ્યું કે, ‘રામનવમીની શોભાયાત્રા પરત ફરતા જ કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં હિન્દુ ભક્તો પર બર્બરતાથી હુમલો કરાયો. માત્ર ભગવો ઝંડો લઈ જવાના કારણે વાહનો પર પથ્થરમારો કરાયો. તેનાથી ગાડીઓના કાચ ફૂટ્યા હતા. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ટાર્ગેટેડ હિંસા હતી. જ્યારે હિંસા થઈ ત્યારે પોલીસ ક્યાં હતી?’
શોભાયાત્રા માટે મંજૂરી મગાઈ ન હતી: પોલીસ
કોલકાતા પોલીસે કહ્યું હતું કે, ‘પાર્ક સર્કસમાં બનેલી કથિત ઘટનાના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, કોઈ પણ શોભાયાત્રા માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, આ પ્રકારની કોઈ ગતિવિધિ થઈ નથી. ગાડીને નુકસાન પહોંચવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક પહોંચીને હસ્તક્ષેપ કર્યો. તપાસ માટે કેસ દાખલ કરાઈ રહ્યો છે, લોકોને સલાહ આપવામાં આવે છે કે, કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન ન આપે.’