– 100 તળાવો સુકાતા પશુઓને હાલાકી
– રજા હોવાથી બપોરે ઘરમાંથી નીકળવાનું લોકોએ ટાળ્યું : હજુ પણ બે દિવસ વધુ ગરમીની સંભાવના
આણંદ : આણંદ જિલ્લામાં ગરમીનો પારો ૩૯ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આકરી ગરમી અને રવિવારની રજાના લીધે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા હતા. જિલ્લાના ૧૦૦થી વધુ તળાવોના તળિયા દેખાતા પશુઓ માટે પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે.
આણંદ જિલ્લાના શહેરોમાં ગરમી કારણે મુખ્ય માર્ગો પર વાહનોની આવન- જાવન નહિવત્ જોવા મળી હતી. નાગરિકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેઓ ઘરમાં રહેવાને જ સલામત વિકલ્પ માની રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉનાળાની શરૂઆત થઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતા છે અને ગરમી વધુ આકરું સ્વરૂપ ધારણ કરી શકે છે.
આણંદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હવે પશુઓ માટે પીવાના પાણીની તંગી પણ ધીમે ધીમે જોવા મળી રહી છે. જિલ્લાના ૧૦૦થી વધુ તળાવ હાલ તળિયે આવી ગયા છે અને સુકાઈ ગયા છે. દૂધાળા પશુઓ માટે ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
આકરી ગરમીને લીધે હવે લીલા ઘાસચારાની પણ તંગી જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ ૩૯ ડિગ્રી જેટલી ગરમી વર્તાઈ છે. ત્યારે આગામી બે મહિનામાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી વટાવી જવાની સંભાવનાઓ જણાઈ રહી છે.