– ગોહિલવાડ રામમય બન્યું
– સિહોર, તળાજા, મહુવા, ગારિયાધાર, પાલિતાણા, જેસર તેમજ બોટાદમાં રામનવમીના પર્વે વિશાળ શોભાયાત્રા નિકળી
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લાના તમામ તાલુકા મથકોમાં રવિવારે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રના જન્મોત્સવની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપૂજન, મહાઆરતી તેમજ રંગદર્શી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સિહોરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ પ્રેરિત શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ વખતે સતત છઠ્ઠા વર્ષે રામજન્મોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પાબુજી મંદિરેથી રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભાવિકોની વિશાળ હાજરીમાં શોભાયાત્રા નિકળી હતી. વેશભુષા, શિવલીંગ અને રામમંદિરના ફલોટ સહિતના આકર્ષણો સાથેની આ શોભાયાત્રા સ્થાનિક માર્ગો પર ફરીને ઠાકરદ્વારા મંદિરે પહોંચી હતી. જયાં મહાઆરતી કરાઈ હતી. બાદ અન્ય માર્ગો પર ફરીને મુકતેશ્વર મહાદેવ મંદિરે તેની પુર્ણાહુતિ કરાઈ હતી. શોભાયાત્રાના માર્ગો પર ઠંડા પીણા અને પ્રસાદીના સ્ટોલ કરાયા હતા. તળાજામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા તળાજા શહેરમાં રામ જન્મોત્સવ ઉજવાયો હતો. તળાજાના વારાહી મંદીરે પૂજા આરતી કરીને નગરયાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે સ્થાનિક મુખ્ય માર્ગો પર ફરીને તળાજી નદીના કિનારે આવેલા પૌરાણિક રામજી મંદિરે પહોંચી હતી. ૩.૫ કિ.મી.ની નગરયાત્રાને પુર્ણ થતા આશરે પાંચેક કલાકનો સમય લાગ્યો હતો. આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. મહુવા શહેરમાં પણ જય જય શ્રીરામના નારા સાથે વિશાળ શોભાયાત્રા જાહેર માર્ગો પર નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા પણ મહુવાને કેસરિયા શ્રીરામના ફોટાવાળા ધ્વજથી મહુવાના જાહેર માર્ગો શણગાર્યા હતા આ શોભાયાત્રા અખંડ રામધૂન મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને સાંજના સાત કલાકે શિવાજી ચોક ખાતે વિરામ લઇ શ્રીરામ ભગવાનની ભવ્ય મહા આરતી કરી હતી જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.પાલિતાણા શહેરમાં રામી માળી જ્ઞાાતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રામનવમી નિમીતે શોભાયાત્રા માળી જ્ઞાાતિના મંદિરેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. જેનું ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ. આ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરી માળી મંદિરે આવી પહોંચી હતી. રાજકીય પક્ષો દ્વારા પણ સ્વાગત કરાયુ હતુ.ગારિયાધાર શહેરમાં રામક્રિષ્ન જન્મોત્સવ સમિતિ સહિત વિવિધ મંડળો દ્વારા રામનવમી પર્વે ભગવાન શ્રીરામના ફલોટસ સાથે એક વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી. ગરમીના અનુસંધાને યાત્રાના માર્ગો પર આઈસક્રિમ અને ઠંડાપીણા તથા પ્રસાદીનું વિતરણ કરાયુ હતુ. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તથા ટ્રાફિક નિયમન માટે ગારિયાધાર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. જેસરમાં રવિવારે બપોરે ૨ કલાકે રામજી મંદિરેથી એક વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા નિકળી હતી. જે મેઈન બજારમાં થઈને રામેશ્વર મંદિરે પહોંચી હતી. અલગ અલગ ફલોટસ,વેશભુષા સાથેની આ શોભાયાત્રાના માર્ગ પર ઠંડા પીણા અને ચા પાણી અને નાસ્તાના સ્ટોલ મુકાયા હતા. મુસ્લિમ સમાજ દ્વારા શેરડીના રસ પીવડાવાયો હતો. શોભાયાત્રા મુખ્ય માર્ગ પર ફરીને રામેશ્વર મંદિરે પહોંચી હતી. જયા ધર્મસભા યોજાઈ હતી. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના ગઢડા પ્રખંડ દ્વારા રામ જન્મોત્સવની ઉજવણી નિમીત્તે પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. બપોરે મહાઆરતી બાદ બપોરે ૪ કલાકે સાધુ, સંતો, રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયુ હતુ. જે અંબાજી ચોકથી થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી. ભાવિકો દ્વારા શરબત, નાસ્તા, પાણીના સ્ટોલ ઉભા કરાયા હતા.