Congress Palayan Roko Naukri Do Yatra : કોંગ્રેસની ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં ફરી બબાલ થઈ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે (7 એપ્રિલ) બેગૂસરાય જિલ્લામાં પહોંચી પદયાત્રામાં સામેલ થયા છે, જોકે આ દરમિયાન તેમને એક યુવકના વિરોધનો સામનો કરવો પડ્યો છે. મળતી વિગતો મુજબ રાહુલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક યુવકને માર માર્યો છે. એટલું જ નહીં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે યુવકને થપ્પડ મારી દીધી છે.
વક્ફ બિલને સમર્થન આપવાની માંગ કરાત યુવકની ધોલાઈ
મળતા અહેવાલો મુજબ જ્યારે રાહુલ ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં ઉપસ્થિત હતા, ત્યારે એક યુવક વક્ફ બિલને સમર્થન આપવાની માંગ સંબંધીત એક પોસ્ટર લઈને આવ્યો હતો. આ કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા અને યુવકને માર માર્યો હતો. રાહુલ સાથે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર હતા અને તેમણે પણ યુવકને થપ્પડ મારી દીધી હતી.
‘વક્ફ બોર્ડનું સમર્થન કરો રાહુલ ગાંધીજી’
પદયાત્રામાં આવેલો યુવક ‘વક્ફ બોર્ડનું સમર્થન કરો રાહુલ ગાંધીજી’ લખેલું પોસ્ટર લઈને આવ્યો. આ દરમિયાન કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેનું સમર્થન કર્યું તો કેટલાકે યુવક પાસેથી પોસ્ટર ખેંચી ફાડી નાખ્યું હતું અને યુવકને ધક્કો મારી આશ્રમના ગેટમાંથી બહાર ભગાડી દીધો હતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ યાત્રામાં જોડાયા
અગાઉ કન્હૈયા કુમાર રેલી છોડીને ભાગ્યા હતા
કોંગ્રેસની પદયાત્રા બિહારના ભિતિહરવા આશ્રમથી 16મી માર્ચે શરૂ થઈ છે. જોકે યાત્રા દરમિયાન કોંગ્રેસને અનેક વખત વિરોધનો અને બબાલનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનના સભ્યો પાર્ટીના ઝંડા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સંરક્ષણ દળોમાં ખાલી પદો ભરવાની તેમજ સરકારી નોકરીઓ વધારવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ આ વર્ષે ત્રીજી વખત બિહારની મુલાકાત લીધી છે. એટલું જ નહીં 31 માર્ચે બિહારનાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ છે. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા. આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થયાનું પણ કહેવાય છે.
આ પણ વાંચો : બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર