મુંબઈ : મોદી સરકારના અગિયાર વર્ષના શાસન કાળમાં વર્તમાન નાણાં વર્ષમાં સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવક સૌથી નીચી સપાટીએ જોવા મળી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૪-૧૫માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી હતી ત્યારબાદ વર્તમાન નાણાં વર્ષમાં ડિસેઈન્વેસ્ટમેન્ટનો આંક સૌથી નીચો જોવા મળી રહ્યો છે.
વર્તમાન નાણાં વર્ષમાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત માત્ર રૂપિયા ૯૩૧૯.૦૫ કરોડ ઊભા કર્યા છે. જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી નીચો હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગયા નાણાં વર્ષમાં આ આંક રૂપિયા ૧૬૫૦૭.૨૯ કરોડ રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને હવે એક પખવાડિયાને વાર છે ત્યારે સરકારી ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ મારફતનો આંક નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીએ પણ નીચો રહેવાની ધારણાં છે.
નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂપિયા ૧૩૫૩૪.૪૦ કરોડ ઊભા કરાયા હતા. બજારની વોલેટિલિટીને ધ્યાનમાં રાખી સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નિશ્ચિત કરવાનું અટકાવી દીધું છે.
સામાન્ય રીતે સરકાર અત્યારસુધી બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ જાહેર કરતી હતી.
વર્તમાન નાણાં વર્ષમાં સરકારે જીઆઈસી, કોચીન શિપયાર્ડ, હિન્દ ઝીંકમાં હિસ્સાનું વેચાણ કરી નાણાં ઊભા કર્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૧૪માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત અત્યારસુધીમાં અંદાજે રૂપિયા ૪.૫૦ લાખ કરોડ ઊભા કર્યાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.