વૈશ્વિક સોનું વધી ઉંચામાં ૩૦૪૫ની નવી ટોચે પહોંચ્યું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી જ્યારે ચાંદીના ઍભાવમાં તેજીને બ્રેક વાગતાં ભાવ રૂપિયાથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૩૫થી ૩૦૩૬ વાળા વધુ વધી ઉંચામાં ૩૦૪૫થી ૩૦૪૬ ડોલરની નવી ટોટ બતાવી ૩૦૩૮થી ૩૦૩૯ ડોલર રહ્યાના સમાચાર હતા. ફંડો એક્ટીવ બાયર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરી બજારોમાં સોનામાં ઐતિહાસિક આગેકૂચ ચાલુ રહી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૯૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૫૦૦ બોલાયા હતા અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૯૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ૩૪.૧૯થી ૩૪.૨૦ વાળા ઘટી ૩૩.૫૭ થઈ ૩૩.૮૪થી ૩૩.૮૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વિશે કેવો વ્યુહ અપનાવે છે તેના પર બજારની નજર રહી હતી. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૦૭થી ૧૦૦૮ વાળા ઘટી નીચામાં ૯૮૫ થઈ ૯૯૨થી ૯૯૩ ડોલર થયા હતા.
પેલેડીયમના ભાવ ૯૭૭થી ૯૭૮ વાળા નીચામાં ૯૫૭ થઈ ૯૬૫થી ૯૬૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે જાજે ૦.૬૨ ટકા વધ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધી ટનના ૧૦ હજાર ડોલર નજીક પહોંચ્યાના વાવડ હતા. ચીનની માગ વધવાની આશા કોપર બજારમાં બતાવાઈ રહી હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૦૦૦ વાળા રૂ.૮૮૩૨૫ થઈ રૂ.૮૮૨૯૪ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૩૫૪ વાળા રૂ.૮૮૬૮૦ થઈ રૂ.૮૮૬૪૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૦૪૦૦ વાળા આજે રૂ.૯૯૯૬૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૭ લાખ બેરલ્સ વધવાની અપેક્ષા હતી તેના બદલે હકીકતમાંઆવો સ્ટોક ૪૫થી ૪૬ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયુટે જણાવ્યું હતું. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૮૬ વાળા નીચામાં ૬૯.૯૦ થઈ ૭૦.૫૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૮.૩૪ વાળા નીચામાં ૭૬.૨૧ થઈ ૬૬.૯૦ ડોલર રહ્યા હતા.