ટ્રમ્પના ટેરિફ યુદ્વે વિશ્વના બજારોમાં સન્નાટો : FPIs/FIIની રૂ.૯૦૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટ્રેડ વોરમાં ધકેલી દઈ વૈશ્વિક બજારોમાં સર્જેલા સુનામીમાં શેરોમાં ઐતિહાસિક કડાકો બોલાવા લાગી આજે અંધાધૂંધી સર્જાઈ હતી. ગત સપ્તાહના શુક્રવારને અમેરિકી શેર બજારો પાછળ યુરોપ, એશીયાના દેશોના બજારોમાં બોલાઈ ગયેલા કડાકા પાછળ આજે ખુલતાં બજારે સુનામી અપેક્ષિત હતું. અમેરિકાએ અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યા બાદ વળતા જવાબમાં ચાઈનાએ અમેરિકા પર ૩૪ ટકા અને કેનેડાએ ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાનું જાહેર કરીને વિશ્વ વેપાર યુદ્વને વધુ જલદ બનાવતાં અને ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ટેરિફ પાછા ખેંચવા તૈયાર નહીં હોવાના આપેલા સ્પષ્ટ સંકેતે ખુલતા બજારે એશીયાના બજારોમાં ધબડકો બોલાયો હતો.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સમાં ૩૯૪૦ પોઈન્ટનું ધોવાણ
જાપાન, હોંગકોંગ, ચાઈના સહિતના બજારો ધરાશાયી થયા બાદ ભારતીય શેર બજારોમાં અસાધારણ નિફટીમાં ૧૧૬૦થી વધુ પોઈન્ટ અને સેન્સેક્સમાં ૩૯૩૯થી વધુ પોઈન્ટ ગેપ ડાઉન ઓપનીંગ થયું હતું. સેન્સેક્સ ૩૦ ઈન્ડેક્સ અને નિફટી ૫૦ ઈન્ડેક્સના તમામ શેરો આરંભના કલાકોમાં કડાકા સાથે તૂટી નેગેટીવ ઝોનમાં રહ્યા હતા. જેના પરિણામે સેન્સેક્સ ૩૯૩૯.૬૮ પોઈન્ટના કડાકે નીચામાં ૭૧૪૨૫.૦૧નું તળીયું બતાવી ગયા બાદ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ફંડોએ ખરીદીની તક ઝડપતાં અને ખાસ હિન્દુસ્તાન યુનિલિવર, ઝોમાટો સહિતના શેરોમાં રિકવરીએ ઘટયામથાળેથી ૧૯૭૮.૯૮ પોઈન્ટ રિકવર થઈ ઉપરમાં ૭૩૪૦૩.૯૯ સુધી જઈ અંતે આગલા બંધની તુલનાએ ૨૨૨૬.૭૯ પોઈન્ટ તૂટીને ૭૩૧૭૩.૯૦ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ ગેપ ડાઉન ૨૧૭૫૮.૪૦ મથાળે ખુલીને ૧૧૬૦.૮૦ પોઈન્ટના કડાકે ૧૦ મહિનાની નીચી સપાટીએ નીચામાં ૨૧૭૪૩.૬૫ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી રિકવર થવા લાગી ઉપરમાં ૨૨૨૫૪ સુધી આવી અંતે ૭૪૨.૮૫ પોઈન્ટના ધોવાણે ૨૨૧૬૧.૬૦ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોની સાથે ભારતમાં પણ સુનામી આવતાં શેરોમાં અંધાધૂંધ વેચવાલીના પરિણામે ધબડકો બોલાઈ જતાં આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૪.૦૯ લાખ કરોડ ધોવાઈને રૂ.૩૮૯.૨૫ લાખ કરોડ રહી ગયું હતું.
કેપિટલ ગુડઝ શેરોમાં આજે સૌથી વધુ ધોવાણ થયું હતું. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૫૮૭.૬૬ પોઈન્ટ તૂટીને ૫૭૦૫૫.૯૧ બંધ રહ્યો હતો. સીજી પાવર રૂ.૩૫.૫૫ તૂટીને રૂ.૫૪૦.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૮૦.૦૫ ઘટીને રૂ.૧૨૫૮.૨૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૮૮.૩૫ ઘટીને રૂ.૩૦૭૦.૮૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૨૬.૦૫ ઘટીને રૂ.૪૦૧૦.૪૫, ટીટાગ્રહ રૂ.૪૨ તૂટીને રૂ.૭૪૮.૫૦ રહ્યા હતા.
ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે મોટાપાયે ધોવાણ ટાટા સ્ટીલ પાછળ થયું હતું. અમેરિકાના ટેરિફને લઈ ચાઈનાએ પણ ૩૪ ટકા ટેરિફ લાદતાં અને ચાઈનાનું ભારતમાં સ્ટીલ સહિત મેટલનું ડમ્પિંગ વધવાની શકયતાએ ફંડોનું મેટલ શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૭૦.૨૮ પોઈન્ટ તૂટીને ૨૬૬૮૦.૧૬ બંધ રહ્યો હતો. નાલ્કો રૂ.૧૨.૯૦ તૂટીને રૂ.૧૪૪.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧૦.૮૫ તૂટીને રૂ.૧૨૯.૬૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૫.૧૦ ઘટીને રૂ.૫૧૬.૬૦, હિન્દાલ્કો રૂ.૩૭.૫૫ તૂટીને રૂ.૫૬૨.૪૦, કોલ ઈન્ડિયા રૂ.૭.૭૫ ઘટીને રૂ.૩૭૭.૫૦ રહ્યા હતા.
અમેરિકાએ ઓટોમોબાઈલ વાહનોની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરતાં અને ચાઈના પર વધુ ટેરિફ લાગુ કરતાં નેગેટીવ અસર અને અનિશ્ચિતતાએ ટાટા મોટર્સ દ્વારા એક મહિના માટે જેગુઆર લેન્ડરોવર વાહનોનું અમેરિકામાં નિકાસ શિપમેન્ટ અટકાવતાં નેગેટીવ અસરે શેર રૂ.૧૨.૬૫ તૂટીને રૂ.૬૫૫.૮૦ રહ્યો હતો. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૩૮.૨૬ પોઈન્ટ તૂટીને ૪૪૩૮૮.૫૭ બંધ રહ્યો હતો. હીરો મોટોકોર્પ રૂ.૪૯.૭૫ ઘટીને રૂ.૩૫૫૯.૪૫, એમઆરએફ રૂ.૧૩૭૩.૪૫ તૂટીને રૂ.૧,૦૫.૮૯૦.૭૫, આઈશર મોટર્સ રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૫૦૦૭.૪૦ રહ્યા હતા.
વૈશ્વિક ફાઈનાન્શિયલ સેક્ટર પર ફરી માઠી અસર પડવાના અને ક્રાઈસીસના એંધાણ વચ્ચે આજે જાપાનના ટોક્યો શેર બજારમાં પડેલા મોટા ગાબડાં પાછળ અને ઘર આંગણે લોન ડિફોલ્ટરો વધવાન દહેશત વચ્ચે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કડાકો બોલાયો હતો. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૯૬.૦૩ પોઈન્ટ તૂટીને ૫૭૧૬૦.૦૭ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૮૫ તૂટીને રૂ.૨૦૪૭.૯૫, એક્સિસ બેંક રૂ.૪૩.૧૦ ઘટીને રૂ.૧૦૪૬.૪૦, કેનેરા બેંક રૂ.૩.૩૮ ઘટીને રૂ.૮૭.૦૩, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૪.૪૫ ઘટીને રૂ.૧૨૯૦.૫૦, એચડીએફસી બેંક રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૭૬૫.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૭૪૮.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૨૮.૬૫ રહ્યા હતા.
અમેરિકા ફાર્મા પર કેટલી ટેરિફ લાગુ કરશે એની અનિશ્ચિતતા વચ્ચે આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં સતત વેચવાલી રહી હતી. સિગાચી રૂ.૨.૮૧ ઘટીને રૂ.૩૬.૧૭, આરપીજી લાઈફ રૂ.૧૪૭.૧૫ ઘટીને રૂ.૨૦૩૪.૬૦, આરતી ફાર્મા રૂ.૪૫.૫૦ ઘટીને રૂ.૬૫૦.૯૫, શેલબી રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૧૮૬.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઓલ રાઉન્ડ ધૂમ વેચવાલી થતાં અને એ ગુ્રપના શેરોમાં પણ પેનીક સેલિંગે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૧૫ અને વધનારની સંખ્યા ૫૭૦ રહી હતી.
DIIની રૂ.૧૨,૧૨૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૯૦૪૦.૦૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૩૭૨.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૪૧૨.૨૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૨,૧૨૨.૪૫ કરોડની જંગી ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૬,૫૨૮.૨૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૪૦૫.૭૮ કરોડની વેચવાલી કરી હતી.