Jammu And Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા દચ્છન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે આજે અથડામણ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓનું એક ટોળું આ વિસ્તારમાં છુપાયું હોવાની બાતમીના આધારે ભારતીય સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ સૂચનાના આધારે આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરતાં આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ચારેકોરથી ઘેરી લીધા છે. અથડામણ હજી ચાલુ છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે.
સુરક્ષાદળની મોટી કાર્યવાહી
કિશ્તવાતમાં એકાઉન્ટની ઘટનાના એક દિવસ પહેલાં જ શનિવારે જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગને આતંકવાદીઓના ફંડિંગ અને ભરતી મોડ્યુલ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી મળી હતી. જેમાં કાર્યવાહી હાથ ધરતાં શ્રીનગર, પુલવામા, બડગામ, અને ગંદરબલ જિલ્લામાંથી 10 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામ પર પાકિસ્તાનના નિર્દેશ પર આતંકી ગતિવિધિઓ, ફંડિંગ અને તેમના ષડયંત્રમાં સાથ આપવાનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુએ ISSનો વીડિયો કર્યો શેર, કહ્યું- ‘સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર’
તપાસમાં મોટો ખુલાસો
તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, આ તમામ સંદિગ્ધ એક વિશેષ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન મારફત સતત સંપર્કમાં હતાં. આ એપ્લિકેશનનો ઉપયોગ આતંકી સંગઠનો દ્વારા ભરતી, ફંડિંગ, અને હુમલાનો સમન્વય કરવા માટે થઈ રહ્યો હતો. આ સંપૂર્ણ નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકી હેન્ડર અબ્દુલ્લા ગાજી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. જે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલો છે.