Surat Smimer Hospital : સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ માટે પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની નિમણૂક માટે ઈન્ટરવ્યુ દરમિયાન એક ગંભીર ઘટના બહાર આવી હતી. ગઈકાલ સોમવારે થયેલા ઈન્ટરવ્યુમાં એજ્યુકેશન માર્કમાં નકકી કરાયેલા માપદંડો કરતા વધુ માર્ક મૂકી દેવાયા હોવાનું બહાર આવ્યું હતું. ઇન્ટરવ્યુના ઉમેદવારોના માર્ક મુકવા માટે બનાવાયેલી કમિટીના સભ્યોને રૂબરૂ બોલાવી ખુલાસો પૂછતા કમિટિનો એક સભ્ય સ્થળ પર બેભાન થઇ ગયો હોવાનું બહાર આવ્યું છે. આ ગોટાળો બહાર આવતા વિજીલન્સ તપાસ સોંપી દેવામાં આવી છે.
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની નિમણૂક માટે નક્કી કરેલા માપદંડમાં એજ્યુકેશ માર્કમાં નકકી કરાયેલા માપદંડો કરતા વધુ માર્ક મૂકી દેવાયા હોવાનું બહાર આવ્યું છે.
સોમવારે મેયર દક્ષેશ માવાણી અને કિમશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સ્મીમેર મેડીકલ કોલેજમાં જુદી-જુદી બ્રાન્ચમાં પ્રોફેસરની ભરતી માટે પાલિકા કચેરીમાં ઇન્ટરવ્યુ હાથ ધરાયા હતા. જેમાં 150 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ઇન્ટરવ્યુ દરમિયાન ઇન્ટરવ્યુના આરંભે જ એક કિસ્સામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમિટીનું ભોપાળું આવી ગયું હતું.
ફોરેન્સિક મેડિસિન વિભાગના એક વિદ્યાર્થીને માપદંડ કરતા વધુ ગુણ અપાયા હતા. ત્યારબાદ એક કિસ્સો પકડાયો હતો. એક કિસ્સામાં સેકન્ડ એટેમ્પમાં 10ની જગ્યાએ 15 ગુણમાંથી માર્કિંગ કરાયું હોય કંઈ ખોટું થયું હોવાનું બહાર આવ્યું હતું. મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલે ચોકસાઈપૂર્વક આ ગડબડી પકડી પાડી ક્રોસ વેરિફિકેશન કરાવ્યું તેમાં ગોટાળો હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે માર્કિંગ સીટમાં ગુણ મૂકવામાં ગડબડી કરનારા કમિટીના ત્રણ સભ્યો સામે વિજીલન્સ તપાસ મૂકી દીધી હતી. મેયર અને કમિશનરે કિસ્સાની ગંભીરતા જોતા કમિટીના સભ્યોને ખખડાવ્યા હતા.
આ દરમિયાન સ્મીમેર ટીએમસી વિભાગના વડા ડો.મી.પવાર તો પગ નીચે રેલો આવતા સ્થળ પર જ બેભાન થઇ જતા થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી, ડો.પવારને તુરંત સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેના તમામ રિપોર્ટ નોર્મલ આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન શાસકોએ આ મુદ્દે વિજીલન્સ તપાસ મુકીને સત્ય બહાર લાવવા આદેશ આપવામાં આવ્યો છે.