– ડંકનાથ મહાદેવ, ગોમતી ઘાટ જવાનો મુખ્ય માર્ગ
– પતરું વાગવાથી દર્શનાર્થીઓને ઈજાનો ભય : પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પરિણામ નહીં
ડાકોર : ડાકોરમાં ઠાકોરજીના મંદિરની સામે આવેલા રસ્તા ઉપર ગટરનું લોખંડનું ઢાંકણું તૂટીને ઊંચું થયેલું હોવાથી જોખમી બન્યું છે. પગમાં વાગવાથી દર્શનાર્થીઓ ઈજાગ્રસ્ત બને છે. ત્યારે આ અંગે રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.
યાત્રાધામ ડાકોરમાં દેશ-વિદેશથી ઠાકોરજીના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. ઠાકોરજીના દર્શન કરી ડંકનાથ મહાદેવ અને ગોમતી ઘાટ પર જવાના મુખ્ય રસ્તે ગટરનું લોખંડનું ઢાંકણું ઊંચું થઈ ગયું છે. ઠાકોરજીના દર્શનાર્થે આવતા ભક્તોના પગમાં વાગતા ઈજાગ્રસ્ત બને છે. સદનસીબે ફાગણી પૂનમના મેળામાં આ રસ્તો બંધ રખાયો હોવાથી પદયાત્રીઓનો બચાવ થયો હતો. પૂનમ સિવાય શનિ- રવિવાર, અગિયાર, રજાઓના દિવસોમાં ભક્તોનો ધસારો રહે છે. આ અંગે ડાકોર નગરપાલિકામાં આસપાસના દુકાનદારો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં પાલિકા તંત્રની બેદરકારીના લીધે ભક્તો સહિત સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે કોઈક મંત્રી કે વીઆઈપી આ લોખંડના ઢાંકણાંનો ભોગ બનશે ત્યારે પાલિકા તંત્રની આંખો ખૂલશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. આ બાબતે ડાકોર પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.