– ટેકનોલોજીની સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું : સાઈબર ફ્રોડ સામે સતર્કતા જરૂરી
– ભાવનગર રેન્જ સાઈબર પોલીસે એક વર્ષમાં સાઈબર ફ્રોડના એક અને ફેક એકાઉન્ટથી કાયદા ભંગના 6 મળી કુલ 7 ગુના નોંધ્યા : 7 ની અટકાયત
ભાવનગર : જેમ-જેમ આધુનિકતા અને ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ તેના દુરૂપયોગનું પ્રમાણ પણ સતત સામે આવી રહ્યું છે. ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં છેલાલં એક વર્ષમાં ભાવનગર રેન્જ સાઈબર પોલીસે રૂા.૧.૦૮ કરોડ પરત મેળવી મુળ માલિકને પરત આપી છે. જો કે, વર્ષ દરમિયાન પોલીસ ચોપડે સાત ગુના નોંધાયા છે. જે તમામ આરોપીને પોલીસે પકડી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશન સૂત્રોના જણાવ્યાનુંસાર,ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ કરતબ કે સ્કીમ, લોભામણી જાહેરાત, વિવિધ એપ્લીકેશન વિગેરે મારફતે ઠગબાજો દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાવાસીઓના બેંક ખાતાથી લઈ તેમની પાસે એક યા બીજી રીતે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ તમામ કિસ્સામાં અરજદાર દ્વારા સાઈબર હેલ્પલાઈનનો સંપર્ક કરવા માત્રથી તેમની રકમના ટ્રાન્ઝેકશન ફ્રિઝ થવાથી લઈ તેમને ફ્રોડમાં ગયેલી રકમ પરત મળી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. તેમના જણાવ્યાનુંસાર છેલ્લાં એક વર્ષ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં બેંક એકાઉન્ટમાંથી રકમ ડેબિટ થવાથી લઈ અન્ય રીતે ગયેલી તેમની રકમ પૈકી સાઈબર ક્રાઈમ પોલીસે તા.૩૧ માર્ચ,૨૦૨૫ સુધીમાં ૧,૦૮,૪૦,૯૩૩ પરત મેળવી છે અને બેંક ખાતાધારકે કે અરજદારને પરત આપી દિધી હોવાનું જણાવ્યું હતું.
જયારે, એક વર્ષમાં ભાવનગર રેન્જ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશને અલગ-અલગ સાત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદમાં એક વ્યકિત સાથે ઓનલાઈન નાણાંકીય ઉચાપત થયાની ફરિયાદ નોંધાઈ હતી. જયારે, અન્ય છ ફરિયાદમાં વિવિધ વ્યકિત દ્વારા સોશીયલ મીડિયા મારફતે હેરાનગતિ, ફેક આઈડી બનાવી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા જેવી અલગ-અલગ છ ફરિયાદ નોંધાઈ હતી. તમામ સાતેય ફરિયાદમાં પોલીસે સાત આરોપીને ઝડપી લીધા હોવાનું સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.