સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ ધરાવતા મેદાની વિસ્તારમાં
આગ પર કાબૂ મેળવવા ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઠારવાના પ્રયાસો જારી
અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહોના વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વનવિભાગ અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ે આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતાં હોવાથી એમને કંઇ નુકસાન ન થાય એ માટે સ્થાનિક આઈ.એફ.એસ .ફતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના ફાયરબ્રિગેડ વાહનો દ્વારા આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અહી બાવળની ઝાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.
રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીની ૧૦૦૦ વીઘા કરતાં વધુ જમીન આવેલી છે, જેમાં કોઇ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે, જેથી એમાં મહાકાય બાવળ ઊભા છે. આ બાવળની અંદર સિંહ, દીપડા અને હરણ જેવાં અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં સૌથી વધુ સિંહ વસવાટ કરતાં હોવાનું વન વિભાગનું કહેવું છે, જેથી આ આગથી સિંહ સહિત કોઇપણ પ્રાણીને નુકસાન ન પહોંચે એ માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વન વિભાગએ જણાવ્યું હતું કે આગ પર મોટા ભાગે કન્ટોલ મેળવી લેવાયો છે, જોકે હજી સાવ કાબૂમાં નથી આવી. કલાકોથી આગ ચાલતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાક થયા છે, વન વિભાગના કર્મચારીઓ અત્યારે ઝાડીઓમાં તપાસ કરી રહ્યા છે.