Jamnagar Accident : જામનગર નજીક પડાણા ગામના પાટીયા પાસે એક કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર લાલપુર તાલુકાના ડબાસંગ ગામના ખેડૂત કાકા ભત્રીજાને ઇજા થઈ હતી. જેમાં બાઈકની પાછળ બેઠેલા કાકાનું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજયું છે, જ્યારે ભત્રીજાની સારવાર ચાલી રહી છે. પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કલ્પેશભાઈ નાયાભાઈ પિંગળસુર (ઉ.વ.23) કે જે ગઈકાલે પોતાના કાકા પાલાભાઈ દેવશીભાઈ (ઉંમર-60) ને પોતાના બાઈકમાં પાછળ બેસાડીને જાખર ગામમાં રહેતા પોતાના એક કુટુંબીને હાર્ટ એટેક આવી ગયો હોવાથી તેઓની તબિયત પૂછવા માટે જઈ રહ્યા હતા.
જે દરમિયાન પડાણા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે.10 ડી.એ. 5329 નંબરની અલ્ટો કારના ચાલકે બાઇકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાલાભાઈ પિંગળસુરને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે બાઈક સવાર કલ્પેશભાઈને નાની મોટી ઈજા થઈ હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.