– આંકલાવના ગંભીરા ગામ ખાતે એશિયાની એક માત્ર ખેડૂતોથી ચાલતી મંડળી
– ગત વર્ષે ઊંચો ભાવ 3,451 અને નીચો 2,354 બોલાયો હતો : ભાઠાની તમાકુના ભાવ ઊંચા જતા સામાન્ય બજારમાં ભાવ વધુ મળવાની સંભાવના
આણંદ : એશિયાની એક માત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી આંકલાવના ગંભીરા ગામમાં કાર્યરત્ મંડળી ખાતે આજે તમાકુની હરાજી થઈ હતી. જેમાં તમાકુનો મણ દીઠ રેકોર્ડબ્રેક રૂા. ૪,૨૫૧ ભાવ ખૂલ્યો હતો. જે ગત વર્ષ કરતા ૮૦૦ રૂપિયા વધુ હોવાથી ચાલુ વર્ષે તમાકુના ભાવમાં તેજીના એંધાણ વર્તાઈ રહ્યા છે. હરાજીમાં રાજ્યભરમાંથી ૨૩ વેપારીઓએ ભાગ લીધો હતો. મંડળીના ૨૯૯ ખેડૂત સભ્યોની હાજરીમાં ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. મહીસાગર નદીના બેટમાં ૬૦૦ વીઘા જમીનમાં ખેડૂતો દ્વારા સામૂહિક તમાકુની ખેતી કરાય છે. જે જમીન મંડળી દ્વારા વિનામૂલ્યે અપાય છે.
આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠા ઉપર આવેલા ગામડાઓમાં નદીમાં બેટ વિસ્તારમાં ચોમાસાના અંત પછી ભાઠાની જમીનમાં તમાકુની ખેતી કરાય છે. સરકાર દ્વારા આ જમીન ખેતી માટે અપાઈ છે. ત્યારે એશિયાની એક માત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મહીસાગર ભાઠા સામૂહિક સહકારી ખેતી મંડળીની ૧૯૫૮માં સ્થાપના કરાઈ હતી. આ મંડળી દ્વારા ખેડૂતો મહીસાગર નદી કાંઠે ભાઠાની જમીન ઉપર તમાકુની ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આંકલાવ તાલુકાના ગંભીરા ગામ ખાતે કાર્યરત્ મહીસાગર ભાઠા સામૂહિક સહકારી ખેતી મંડળીમાં તા. ૧૯મી માર્ચને બુધવારે તમાકુની દર વર્ષની જેમ જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં ૨૩ વેપારીઓએ ભાગ લીધો હતો. મંડળીના ખેડૂત સભ્યોની ઉપસ્થિતિમાં જાહેરમાં ટેન્ડર ખોલાયા હતા. જેમાં તમાકુનો રેકોર્ડબ્રેક ઊંચો ભાવ પ્રતિ મણ (૨૦ કિલો)નો રૂા. ૪,૨૫૧ ખૂલવા પામ્યો હતો. જ્યારે સૌથી નીચો ભાવ રૂા. ૩,૩૩૧ જાહેર થયો હતો. ગત વર્ષે ભાઠાની તમાકુનો ઊંચો ભાવ ૩,૪૫૧ અને નીચો ભાવ ૨,૩૫૪ પ્રતિ મણ બોલાયો હતો. ગત વર્ષે અંદાજિત ૧૭,૦૦૦ મણ તમાકુનું ઉત્પાદન થયું હતું. જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં થયેલા ભારે વરસાદની અસરોને કારણે અને પરિબળો અનુકુળ ન હોવાથી અંદાજે ૧૩,૦૦૦ મણ જેટલી તમાકુનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
ત્યારે ગત વર્ષની સરખામણીએ રૂા. ૮૦૦ વધુ ભાવ પ્રાપ્ત થતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાઠાની તમાકુ કડક અને તેજ હોવાના લીધે રાજ્યભરના તમાકુના વેપારીઓ ખરીદી માટે હંમેશા તૈયાર હોય છે. મહીસાગર ભાઠા મંડળીની તમાકુના ભાવ જાહેર થયા બાદ સામાન્ય બજારના ભાવ જાહેર થતા હોય છે. ત્યારે ભાઠા મંડળીની તમાકુના ભાવ ઊંચા બોલાતા અન્ય ખેડૂતોને તમાકુના ઊંચા ભાવ જવાની આશા બંધાઈ છે.
મહીસાગર નદીના કાંઠામાં આવેલા ગંભીરા, કોઠિયા, ખાડ, બિલપાડ, નાની શેરડી, નવાખલ, ઉમેટા, હઢીપુરા સહિતના ગામોના ૨૯૯ જેટલા ખેડૂતો મંડળીના નેજા હેઠળ ૬૦૦ એકર જમીનમાં નિઃશુલ્ક તમાકુનું વાવેતર કરે છે.
1958 માં ભાઠાની મંડળીને 900 એકર જમીન સરકારે આપી હતી
મહીસાગર કાંઠે આવેલી અંદાજિત ૯૦૦ એકરથી વધુ જમીન ૧૯૫૮માં સહકારી મંડળીને સરકાર દ્વારા ખેતી કરવા માટે આપવામાં આવી હતી. વર્ષો જતા જમીનનું ધોવાણ થતા હાલ અંદાજિત ૬૦૦ એકર જમીન બચવા પાણી છે.
ખર્ચા મંડળી ભોગવી ખેડૂતોને જમીન વિનામૂલ્યે વાવવા અપાય છે
મહીસાગર ભાઠા સામૂહિક સહકારી ખેતી મંડળી દ્વારા કાંઠા વિસ્તારના ગામોના ૨૯૯ જેટલા ખેડૂતોને દર વર્ષે જમીન તમાકુની ખેતી માટે ભાગે પડતી આપવામાં આવે છે. ઉત્પાદનની તમાકુનું વજન કરીને ખેડૂતનું નામ લખવામાં આવે છે. ખાતર, બિયારણ, મજૂરી તથા અન્ય ખર્ચા મંડળી દ્વારા કરવામાં આવે છે. હરાજીમાં આવેલા ભાવમાંથી થયેલા ખર્ચા બાદ કરી બાકીનો નફો ખેડૂતોને આપવામાં આવે છે. જમીન માત્ર મંડળીની માલિકીની હોય છે. ખેડૂતોને તમાકુ ઉત્પાદન કરવા માટે વિનામૂલ્યે વાવવા અપાય છે.