Vadodara Crime : વડોદરાના ખોડીયાર નગરમાં રહેતા અને ટ્રાવેલિંગનો ધંધો કરતા મુકેશભાઈ બાબરભાઈ પરમારએ બાપોદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં ફેબ્રુઆરી 2025માં મહાકુંભ મેળામાં જવા માટે વ્યક્તિદીઠ 9,000માં રહેવા, જમવા સ્લીપર બસ દ્વારા યાત્રાનું આયોજન 7 દિવસ માટે કર્યું હતું.
મારા મિત્ર અરૂણભાઇએ તેમના ઓળખીતા નવીનભાઈ બારોટને પણ મહાકુંભમાં જવાનું હોય તેમની પાસે ઘણા સભ્યો હોવાથી વધારાની બસના સભ્યો નવા બજાર ખાતે રહેતા ગીતાબેન તથા નવીન બારોટ ભાઈએ કર્યા હતા. અરૂણભાઇ મારફતે નવીન બારોટ સાથે ડબકા ગામે મુલાકાત થઈ હતી. એક મુસાફરના 8,000 નક્કી કર્યા હતા અને નવીનભાઈને પ્રયાગરાજની તમામ પરિસ્થિતિ વાકેફ કર્યા હતા. સાતમી ફેબ્રુઆરીએ નવીનભાઈએ તેમના 42 સભ્યોનું લિસ્ટ મને વોટ્સએપ કર્યું હતું. ત્યારબાદ અમે યાત્રા પર ગયા હતા.
યાત્રા પૂરી થયા પછી નવીનભાઈએ મને કહ્યું કે મારી સભ્ય સંખ્યા ઓછી છે મને 71,000 પરત આપો.. તેમ કહી અવારનવાર ફોન કરી ધમકી આપતા હતા અને કહેતા હતા કે હું વ્યાજનો ધંધો કરું છું મારી પાસે ભાડાના માણસો પણ રાખું છું પૈસા કઢાવતા મને આવડે છે તારા ઘરે આવીને હાથ પગ તોડી નાખીશ.. ગત 30 મી તારીખે તેઓ મારા ઘરે આવ્યા હતા અને હું ઘરે ન હોવાથી મારી દીકરી સામે મારા વિશે ગાળો બોલી જતા રહ્યા હતા. ત્યારબાદ પણ બીજી વખત તેઓએ આ રીતે ઘરે આવી ધમકી આપી હતી.