Surat News : ગુજરાતના સુરતમાં સિક્યોરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં આરોપીઓ માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું છે. બે શખ્સો દ્વારા જાહેરમાં મહિલા પર ક્રૂરતા આચરી રહ્યા છતાં લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે પુણા પોલીસે વીડિયોના આધારે બંને શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માતા-દીકરી પર ચોરીના આક્ષેપ રાખી સિક્યોરિટી ગાર્ડે માર માર્યો
મળતી માહિતી મુજબ, રાજ્યમાં સિક્યોરિટી ગાર્ડ સહિતના બે વ્યક્તિઓ એક મહિલા અને તેની દીકરીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. સમગ્ર મામલે પુણા પોલીસે વીડિયોના આધારે તપાસ આદરી હતી. જેમાં વીડિયો સુરત APMCના ગેટ નં.2 પાસેનો અને ઘટના 6 એપ્રિલની હોવાનું સામે આવ્યું હતું. આરોપી દ્વારા મહિલા અને દીકરીને મારવાની ઘટનામાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાની ફરિયાદને ધ્યાન રાખીને મહિલા પર આક્ષેપ કરીને માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ
સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.