ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને મુંબઈ લઈ જવાશે : મહારાષ્ટ્રની જેલમાં બંધ પ્રશાંત જાડેની ધરપકડ બાદ કરોડોની ઠગાઈની રકમ ક્યાં ગઈ તે અંગે ખુલાસા થશે
રાજકોટ, : હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના રૂ. 64.80 કરોડ ઓળવી જનાર મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીના બેન્ક ખાતામાં માત્ર રૂ. આઠેક લાખની રોકડ હોવાની ક્રાઈમ બ્રાંચને માહિતી મળી છે. ક્રાઈમ બ્રાંચને એવી માહિતી મળી છે કે 2022ની સાલમાં કંપની ઉપર જીએસટીની રેડ પડી હતી. જેને કારણે કંપનીનું બેન્ક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યું હતું. તે વખતે કંપનીના એકાઉન્ટમાં માત્ર રૂ.આઠેક લાખની રોકડ રકમ હતી. કરોડોનું કૌભાંડ આચરનાર કંપનીના સંચાલકોએ બાકીની રકમનું શું કર્યું તે બાબતે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.
હાલ ક્રાઈમ બ્રાંચ પાસે કંપનીમાં નોકરી કરતા અને અઢી-અઢી ટકાના ભાગીદાર હર્ષલ ઓજે, વૈભવ કોટલાપુરે, પ્રવિણ પથારે અને દિલીપ પટેલ રિમાન્ડ પર છે. જોકે આ ચારેય આરોપીઓ પાસેથી ઠગાઈની રકમ કયાં ગઈ તે વિશે ક્રાઈમ બ્રાંચને કોઈ ચોકકસ માહિતી મળી નથી. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે ટુંક સમયમાં આ આરોપીઓને તપાસ માટે મુંબઈ સ્થિત ઓફિસે લઈ જવાશે. તે વખતે બાકીના વોન્ટેડ આરોપીઓ અંગે પણ તપાસ કરાશે. આ ઉપરાંત હાલ જેલમાં રહેલા ત્રણ આરોપીઓ સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદિપ સાવંતનો ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો લેવાશે.
કંપનીમાં પ્રશાંત જાડે પર ટકાનો ભાગીદાર છે. જેથી તેની ધરપકડ બાદ ઠગાઈની રકમ ખરેખર કયાં ગઈ તે વિશે ખુલાસા થશે. ક્રાઈમ બ્રાંચ હાલ કંપનીના કઈ-કઈ જગ્યાએ પ્રોજેકટ ચાલી રહ્યા હતા તે વિશે પણ માહિતી મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી કંપની સામે રાજકોટના વેપારીના રૂ. 64.80 કરોડ ઓળવી ગયાની અને ત્રણ વર્ષ મુજબ એગ્રીમેન્ટના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપીંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.