– 26-11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ રાણાએ અંતે ભારતના ન્યાયતંત્રનો સામનો કરવો પડશે
– એનઆઈએ-એનએસજીની ટીમ રાણાને વિયેનાના ભાડાંના સુપર મીડ-સાઈઝ વિમાનમાં મિયામીથી દિલ્હીના પાલમ એરપોર્ટ લાવી, બુખારેસ્ટમાં 11 કલાકનો વિરામ કર્યો
– રાણાની પૂછપરછમાં મુંબઈના આતંકી હુમલાના કાવતરામાં પાકિસ્તાન સરકારની ભૂમિકા ખુલ્લી પડવાની શક્યતા
નવી દિલ્હી : મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલાના મહત્વના આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને આખરે અમેરિકાથી ૧૭ વર્ષે ભારત ખેંચી લાવવામાં અને દેશના ન્યાયતંત્ર સામે ઊભો કરવામાં એનઆઈને સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના ૬૪ વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી વિશેષ વિમાનમાં ગુરુવારે સાંજે ૬.૩૦ કલાકે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લવાયો હતો, જ્યાં એનઆઈએએ સત્તાવાર રીતે તેની ધરપકડ કરી હતી અને એનઆઈએ કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. આ સાથે તેનું પ્રત્યાર્પણ કેવી રીતે થશે તેવી અટકળોનો અંત આવી ગયો છે. તહવ્વુર રાણાને ભારતમાં દિલ્હીની તિહાર જેલમાં રખાશે.
મુંબઈમાં વર્ષ ૨૦૦૮ના ૨૬ નવેમ્બરે થયેલા આતંકી હુમલાનું કાવતરું ઘડવામાં તહવ્વુર રાણાની મહત્વની ભૂમિકા હતી. જોકે, અમેરિકાએ ૨૦૦૯માં ડેન્માર્કમાં એક આતંકી હુમલામાં તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી ભારતે રાણાને ભારત લાવવા માટે વર્ષો સુધી કાયદાકીય લડત લડી હતી. ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટેની તમામ અરજીઓ અમેરિકન કોર્ટે ફગાવી દીધા પછી અંતે રહસ્યમય રીતે રાણાને અમેરિકાના લોસ એન્જેલસથી ભાડાંના એક સુપર મીડ-સાઈઝ બિઝનેસ જેટમાં નવી દિલ્હી લવાયો હતો.
વિયેના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસના ભાડાંના વિમાને તહવ્વુર રાણા સાથે એનઆઈએ અને એનએસજી કમાન્ડોની ટીમ સાથે મિયામીથી બુધવારે બપોરે ઉડ્ડયન કર્યું હતું અને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં લગભગ ૧૧ કલાકનું રોકાણ કર્યું હતું. વિમાને ગુરુવારે સવારે બુખારેસ્ટથી વિદાય લીધી અને સાંજે ૬.૨૨ કલાકે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.
તહવ્વુર રાણા પાલમ એરપોર્ટ પર પહોંચી ગયો હોવાના સમાચાર મળતા જ વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને વિશેષ સરકારી વકીલ નરેન્દ્ર માન પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યા હતા. આ સમયે કોર્ટ પરિસરને સંપૂર્ણપણે ખાલી કરી દેવાયું હતું. વિશેષ એનઆઈએ જજ ચંદેર જિત સિંહે રાણાના કેસની સુનાવણી કરી હતી.
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની સૌપ્રથમ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબુ્રઆરી ૨૦૨૫માં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. ટ્રમ્પે પીએમ મોદી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે અત્યંત હિંસક માણસને ભારતને સોંપી રહ્યા છીએ, જ્યાં તે તાત્કાલિક ભારતના ન્યાયતંત્રનો સામનો કરશે. ટ્રમ્પે કહ્યું કે તેમના તંત્રે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. રાણા લોસ એન્જેલસમાં મેટ્રોપોલીટન ડીટેન્શન સેન્ટરમાં કેદ હતો.
મુંબઈના ૨૬-૧૧ના આતંકી હુમલાના કેસમાં અજમલ કસાબ અને ઝૈબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ પછી તહવ્વુર રાણા આ કેસમાં ભારતમાં જેલ જનારો ત્રીજો આરોપી બન્યો છે. મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલા પહેલાં તહવ્વુર રાણાએ ૧૩થી ૨૧ નવેમ્બર વચ્ચે પત્ની સમરેઝ રાણા અખ્તર સાથે ઉત્તર પ્રદેશમાં હાપુર અને આગ્રા, દિલ્હી, કેરળમાં કોચી, ગુજરાતમાં અમદવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લીધી હતી તેમ એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું હતું.
તહવ્વુર રાણા હવે ભારતીય ન્યાયતંત્રનો સામનો કરશે અને તેની પૂછપરછમાં મુંબઈમાં ૨૦૦૮ના આતંકી હુમલાના કાવતરાંમાં પાકિસ્તાન સરકારની ભૂમિકા બહાર આવે તેવી સંભાવના છે. તપાસકારોને આશા છે કે તેની પૂછપરછમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં તેના પ્રવાસની કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી શકે છે. દેશના અન્ય સ્થળોની મુલાકાત પાછળ ત્યાં પણ આતંકી હુમલાનું કાવતરું હોવાની આશંકા છે તેમ એનઆઈએએ જણાવ્યું હતું.
કસાબની જેમ આ વખતે સરભરા ન જોઈએ
રાણાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ, બિરયાની આપવામાં ન આપતા
– 26/11ના પીડિતોને મદદ કરનારા ચા વેચનારની માગ
મુંબઇ : મુંબઇ આતંકવાદી હુમલા વખતે ઘણા લોકોને બચાવવાળા મદદ કરનાર એક ચા વેચનારે કહ્યું કે આરોપી તહવ્વુર રાણાને બિરયાની કે અલગ સેલ જેવી કોઇ ખાસ ટ્રિટમેન્ટ આપવી જોઇએ નહીં. તેમજ તેને ફાંસી આપવાની માગ કરી છે.
છોટુ ચાયવાળા તરીકે ઓળખાતા મોહમ્મદ તૌફીકે આતંકવાદીઓ માટે દેશમાં કડક કાયદાની માંગ કરી છે. નવેમ્બર, ૨૦૦૮માં આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર હુમલો કર્યો ત્યારે તૌફિક પોતાનો ચાનો સ્ટોલ ચલાવતો હતો. તેણે હુમલા દરમિયાન પોતાની આંખો સામે લોકોને મરતા જોયાનું વર્ણન કર્યું હતું.
ટેરરિસ્ટ એટેક વખતે તેણે બચવા માટે લોકોની સ્ટેશન પર સલામત જવામાં માર્ગદર્શન કર્યું હતું. અને ઘણા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડયા હતા. તહવ્વુર રાણાને જીવંત પકડાયેલા એકમાત્ર પાકિસ્તાની આતંકવાદી અજમલ કલાબના જેવી અલગ સેલ, બિરયાની અને અન્ય સુવિધાઓ આપવાની કોઇ જરૂર નથી, એમ તૌફીકે કહ્યું હતું.
કસાબે ક્યારેય બિરયાની માગી નહોતી અને સરકાર દ્વારા ક્યારેય પીરસવામાં આવી નહોતી. આતંકવાદી પક્ષમાં ઉભી થતી ભાવનાત્મક લહેરને રોકવા માટે આ વાત ઉપજાવી કાઢવામાં આવી હતી, એમ આ કેસના સરકારી વકીલ ઉજ્જવલ નિકમે ૨૦૧૫માં જણાવ્યું હતું.
તૌફીકે રાણેને ભારત પ્રત્યાર્પણ કરવા બદલ યુએસ સરકાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. ભારતમાં આતંકવાદીઓ માટે પણ કડક કાયદો હોવો જોઇએ. રાઁણાને ભારત લાવવામાં આવ્યો એ આપણા માટે સારા સમાચાર છે. પરંતુ તેને ૧૫ દિવસની અંદર અથવા બે- ત્રણ મહિનામાં જાહેરમાં ફાંસી આપવી જોઇએ, એમ ચા વેચનારે કહ્યું હતું. આવા લોકોને વિશેષ ટ્રીટમેન્ટ આપવાની અને તેના પર કરોડો રૂપિયા ખર્ચ કરવાની કોઇ જરૂર નથી જેમ આપણે કસાબ પર ખર્ચ કર્યો હતો.
રાણાને મૃત્યુદંડની સજા મળે પછી હું ઉજવણી કરીશ કોઇ તેને બચાવવાનો પ્રયાસ કરે તે પહેલાં તેને ફાંસી આપી દેવી જોઇએ, સરકારે પીડિતોને મદદ પૂરી પાડી છે પરંતુ પૈસા કોઇનું જીવન પાછું લાવી શકતા નથી, એમ તૌફીકે વધુમાં કહ્યું હતું. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાની ૧૦ આતંકવાદીઓએ અરબી સમુદ્રમાં દરિયાઇ માર્ગનો ઉપયોગ કરીને ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં ઘૂસીને સીએસએમટી, બે વૈભવી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો.
રાણા પાકિસ્તાનમાં જન્મેલો કેનેડિયન નાગરિક છે. ૨૦૦૮માં આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાનો એક અમિરકન નાગરિક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે.