સરેરાશ ઉત્પાદનમાં 30થી 50 ટકા સુધીના ઘટાડાથી વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
આંબે સારો મોર બેઠા બાદ ઝાંકળ પડતાં જ ફળિનીકરણ સમયે મોર બળી ગયા : બજારમાં માંગ સામે આવક ઓછી હોવાથી ભાવ આસમાને : કેરીની ‘મીઠાશ”ખટાશ’માં બદલાઈ
ભાવનગર: ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે વાતાવરણીય ચક્રમાં આવેલાં અકલ્પનિય ફેરફારના કારણે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ફળોના રાજા કેસર કેરીના ઉત્પાદનમાં આશ્ચર્યજનક રીતે જબ્બર ઘટાડો નોંધાતાં આંબાવાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.એટલું જ નહીં, આ વર્ષે કેરીનો પાક પણ મોડો હોવાના કારણે બજારમાં કેરીની માંગ સામે આવક ન હોવાથી ભાવમાં પણ આવેલાં વધારાને લઈ ભાવેણાંવાસીઓને આ વર્ષે કેરીની મીઠાશના બદલે તેની ખટાશનો વધુ અનુભવ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાવનગર જિલ્લાની ભૌગોલિકતાને જોતાં જિલ્લાના દરિયા કાંઠે આવેલાં ભાવનગર, ઘોઘા તથા તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત, શેત્રુંજી કેનાલના બન્ને કાંઠે આવેલાં પાલિતાણા અને જેસર તાલુકાના ગામડાંમાં મોટાપાયે કેસર કેરીનું ઉત્પાદન થાય છે, આંબા પર મોર બેસવાથી લઈ કેરી પાકવા(જવણ)ની પ્રક્રિયા માટે સૌથી અનુકુળ અને ઉત્તમ વાતાવરણ ભાવનગર જિલ્લામાં હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં કેરીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની આંબાવાડીમાં થાય છે. એટલું જ નહીં, સોસિયા સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પાકતી કેરીના પાકના વેચાણ માટે ભાવનગરમાં પણ સૌથી પહેલાં પીઠું(વેચાણ કેન્દ્ર) શરૂ થાય છે. આ વર્ષે પણ ફેબૂ્રઆરી માસના મધ્યમાં આંબે મોર આવી ગયા હતા.મોટાભાગની આંબાવાડીમાં મોર સારો હોવાથી વાડી માલિકોએ સારા ઉત્પાદનની આશા સેવી માવજત શરૂ કરી હતી.પરંતુ, ફેબૂ્રઆરી અંત ભાગથી લઈ માર્ચ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં સમયાંતરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઝાંકળ અને વાતાવરણમાં આવેલાં નાટકીય પરિવર્તનની સીધી અસર કેરીના મોર પર જોવા મળી હતી. કેરીના ફળીનીકરણ સમયે જ વાતાવરણીય ફેરફારના કારણે મોટાભાગના આંબા પરના મોર બળી, કોળવાની શરૂઆત થતાં ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું હતું.
ખેડૂત-આંબાવાડીમાલિકોના જણાાવ્યાંનુસાર, આ વર્ષે કેરીના સરેરાશ ઉત્પાદનમાં સરેરાશ ૩૦થી ૫૦ ટકા સુધીનો ચિંતાજનક હદે ઘટાડો નોંધાયોે છે.સાથોસાથ ઉત્પાદનના સમયમાં વિલંબના કારણે ખેડૂતો-વાડી માલિકોની હાલત પડયાં પર પાટું જેવી થઈ છે. જયારે, સારા પાક માટે કરેલો ખર્ચ પણ તેમને હાલ માથે પડયો હોવાનું તેમણેે જણાવ્યું હતું. હાલ એપ્રિલ માસ મધ્યાહ્ને પહોંચ્યો છે ત્યારે કેરીના ઉંચા ભાવને જોતાં સામાન્ય અને ગરીબ વર્ગને આ વર્ષે તેની મીઠાશ ચાખવામાં હજું બે સ્પતાહ જેટલા સમયની રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે.
700 આંબામાંથી માત્ર 15 મણ કેરી ઉતરીઃ ખેડૂતની વેદના
સોસિયામાં ૭૦૦થી વધુ આંબા ધરાવનાર ખેડૂતે જણાવ્યું કે, અગાઉના બે વર્ષ સુધી તેમની સહિત દરિયાઈ પટ્ટીના ૧૨થી વધુ ગામડાંઓમાં આવેલી આંબાવાડીમાં કેરીનું મલબખ ઉત્પાદન થતું હતું. જેની સામે આ વર્ષે તેમના જ ૭૦૦ આંબામાં કુલ મળીને અત્યારસુધીમાં ૧૫ મણ કેરીનો પાક ઉતર્યો છે. આ જ હાલત અન્ય આંબાવાડીની પણ હોવાનું તેમણે વેદના સાથે વિગતો આપતાં જણાવ્યું હતું.
બજારમાં માલની ઘટ, આગામી સપ્તાહે ભાવ ઘટે તેવી શક્યતા : ફ્રૂટ માર્કેટ એસો.પ્રમુખ
ભાવનગરની બજારમાં કેરીનો પાક મોડો આવવા તથા માંગ સામે આવકના ઘટાડાની ચિંતાજનક સ્થિતિને ભાવનગરના તળાવ ફ્રૂટ માર્કેટના પ્રમુખ રામદેવસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યાનુંસાર, દર વર્ષે સમગ્ર સોરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી પહેલાં કેરીની પીઠું શરૂ થઈ જાય છે અને હરરાજી શરૂ થઈ જાય છે. પરંતુ, આ વર્ષે મોડા ઉત્પાદનની સાથોસાથ ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી છે.તેમના મત અનુસાર, આગામી સપ્તાહના અંત ભાગ બાદ ભાવનગર સિવાયના જિલ્લાની કેરી બજારમાં આવ્યા બાદ ભાવમાં ઘટાડો નોંધાશે તેમ આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું.