અમદાવાદ : મહાવીર જયંતિ નિમિત્તે ગુરુવારે સ્થાનિક શેરબજારો બંધ રહ્યા હતા પરંતુ વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર ટોન જોવા મળ્યો હતો. એશિયા તથા યુરોપના બજારોમાં મજબૂતાઈ રહી હતી પરંતુ બુધવારના ઉછાળા બાદ અમેરિકન શેરબજારો ગુરુવારે દોઢથી અઢી ટકા નરમ ખૂલ્યા હતા. ગિફટ નિફટી ૬૫૦ પોઈન્ટથી વધુ ઊંચકાયો હતો અને મોડી સાંજે ૨૩૧૦૦ જોવાયો હતો.
એનએસઈ ઈન્ટરનેશનલ એકસચેન્જ પર વેપાર થતા ગિફટ નિફટીના ઉછાળાને જોતા શુક્રવારે દેશના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી તેના આગલા બંધથી ગેપમાં ખૂલવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય દેશો પર પોતાનું વલણ હળવું કરતા વૈશ્વિક બજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી.
અમેરિકાએ ચીન પર રેસિપ્રોકલ ટેરિફ ૧૨૫ ટકા કર્યું છે જ્યારે ૭૫ જેટલા દેશો પર ઊંચા ટેરિફ દર ૯૦ દિવસ સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કર્યા બાદ શેરબજારોમાં મોટી તેજી જોવા મળી હતી.
ટ્રમ્પ દ્વારા ટેરિફના અમલ પર ૯૦ દિવસની રાહત અપાયા બાદ ગઈ રાત્રે અમેરિકી શેરબજારમાં પ્રચંડ ઉછાળો નોંધાયો હતો જે આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ધોવાઈ જવા પામ્યો હતો. અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સમાં ૧૩૭૦ પોઇન્ટનું ગાબડું પડતા તે ૩૯૨૩૮ ઉતરી આવ્યો હતો જ્યારે નાસ્ડેકમાં ૮૬૦ પોઇન્ટનું ગાબડું પડતા ૧૬૨૬૪ અને એસએન્ડપી-૫૦૦ ૨૩૪ પોઇન્ટ ઘટીને ૫૨૨૨ની સપાટીએ રહ્યો હતો ગઈકાલે અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સમાં ૭.૯ ટકાનો, નાસ્ડેકમાં ૧૨.૨ ટકા અને એસએનપી-૫૦૦માં ૯.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
યુરોપિયન બજારોમાં આજે મોડી સાંજે લંડનનો ફીત્સી ઇન્ડેક્સ ૩૦૦ પોઇન્ટ વધીને ૭૯૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ ૯૮૧ પોઇન્ટ વધીને ૨૦૬૫૨ તથા ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ ૩૧૯ પોઇન્ટ વધીને ૭૧૮૨ની સપાટીએ કાર્યરત હતો.
એશિયાઈ બજારોમાં આજે જાપાનનો નિક્કાઈ ઇન્ડેક્સ ૨૮૯૪ પોઇન્ટ ઉછળીને ૩૪૬૦૯, તાઇવાનનો ઇન્ડેક્સ ૧૬૦૮ પોઇન્ટ ઉછળીને ૧૯,૦૦૦ પહોંચ્યો હતો. અન્ય ઇન્ડેક્સમાં સિંગાપોરનો સ્ટ્રેઇટ ૧૮૪ પોઇન્ટ વધીને ૩૫૭૭, હોંગકોંગનો હેંગસેંગ ૪૧૭ પોઇન્ટ વધીને ૨૦૬૮૧, દ. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૧૫૧ પોઇન્ટ વધીને ૨૪૪૫, ઇન્ડોનેશિયાનો ઇન્ડેક્સ ૨૮૬ પોઇન્ટ વધીને ૬૨૫૪ અને ચીનનો શાંગહાઈ ઇન્ડેક્સ ૩૬ પોઇન્ટ વધીને ૩૨૨૩ની સપાટીએ રહ્યો હતો. પાકિસ્તાનનો કરાંચી-૧૦૦ ઇન્ડેક્સ ૨૦૩૬ પોઇન્ટ વધીને ૧૧૬૧૮૯ પર રહ્યો હતો.
રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મોકૂફ રખાતા વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથોસાથ જોખમી એસેટસ ક્રિપ્ટોકરન્સીસમાં પણ ઉછાળો આવ્યો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનમાં ફરી ૮૩૦૦૦ ડોલરની સપાટી જોવા મળી હતી.અન્ય ક્રિપ્ટોસ જેમ કે એકસઆરપી તથા એથરમમાં ૧૨ ટકા જ્યારે સોલાનામાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઊંચામાં ૮૩૪૩૫ ડોલર અને નીચામાં ૭૫૯૨૯ ડોલર થઈ મોડી સાંજે ૮૧૮૯૫ ડોલર કવોટ થતો હતો. એથરમ ઊંચામાં ૧૬૮૨ ડોલર અને ૧૪૪૫ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૧૫૯૯ ડોલર કવોટ થતો હતો.
અમેરિકામાં મંદીના આપેલા કોલને પાછો ખેંચી લેવાયો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે પીછેહઠ કરાતા અમેરિકામાં મંદીના આપેલા કોલને ગોલ્ડમેન સાક્સે પાછો ખેંચી લીધો છે. ચીનને બાદ કરતા અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફને ટ્રમ્પે ૯૦ દિવસ માટે સ્થગિતી આપી છે.જો કે ફુગાવામાં વધારો થવાની અને આર્થિક વિકાસ દર મંદ પડવાની ધારણાં જાળવી રખાઈ છે.
અમેરિકામાં વેપાર નીતિમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં તેનો આર્થિક વિકાસ દર ધીમો પડી શકે છે, તેવી ગોલ્ડમેને ધારણાં મૂકી છે. ૯ એપ્રિલથી ટેરિફ લાગુ કરવાની અમેરિકાની જાહેરાતને ધ્યાનમાં રાખી ગોલ્ડમેને અમેરિકામાં મંદી ફરી વળવાની સપ્તાહના પ્રારંભમાં આગાહી કરી હતી.
ટેરિફમાં સ્થગિતી છતાં વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૦.૫૦ ટકા જ રહેવાની ગોલ્ડમેને ધારણાં મૂકી છે અને આગામી વર્ષમાં મંદી આવવાની ૪૫ ટકા શકયતા હોવાનો અંદાજ મુકાયો છે. સ્થગિતીને કારણે અમેરિકાના અર્થતંત્ર સામેના જોખમો દૂર થઈ નહીં જાય એમ સિટીગુ્રપના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. ચીન સિવાય અન્ય દેશો પર ટેરિફને સ્થગિતીનો અર્થ એ નથી કે, અમેરિકામાં વિકાસ મંદ નહીં પડે અને ફુગાવામાં વધારો નહીં થાય.
જેપી મોર્ગનના એક અર્થશાસ્ત્રીએ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો જે અગાઉ જૂનમાં આવવાની શકયતા રખાતી હતી તે હવે લંબાઈને સપ્ટેમ્બર સુધી ખેંચાઈ જવાની શકયતા વ્યકત કરી છે.