Tahawwur Rana NIA Custody: 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને NIA કોર્ટે 18 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે. જેમાં મુંબઈ હુમલા સંબંધિત તમામ પાસાંઓ પર પૂછપરછ કરાશે. તહવ્વુરને NIA હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં બનાવેલી 14/14ની સાઈઝની જેલમાં રાખવામાં આવશે. પૂછપરછ કરનારી ટીમનું નેતૃત્વ ડીઆઈજી જયા રૉય કરશે. રાણાને અમેરિકામાંથી ભારત લાવવામાં રૉયની ભૂમિકા મહત્ત્વની રહી છે.
NIA તહવ્વુર પાસે આ 24 સવાલોના જવાબ માગશે
1. 26 નવેમ્બર, 2008ના રોજ તહવ્વુર રાણા ક્યાં હતો?
2. 8 નવેમ્બર, 2008થી 21 નવેમ્બર, 2008 દરમિયાન તહવ્વુર રાણા ભારત કેમ આવ્યો હતો અને તે દરમિયાન ક્યાં ક્યાં ગયો હતો?
3. ભારતમાં તહવ્વુર રાણા કોને કોને અને ક્યાં ક્યાં મળ્યો હતો?
4. તહવ્વુર રાણાને 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં મોટા આતંકી હુમલા વિશે શું જાણકારી હતી?
5. ડેવિડ કોલમેન હેડલીને ક્યારથી ઓળખે છે, તેને નકલી વિઝા આપી ભારત કેમ મોકલ્યો હતો?
6. ડેવિડ હેડલીએ તહવ્વુર રાણાને ભારતમાં હુમલાની યોજના વિશે શું જણાવ્યું હતું, તેમજ કયાં સ્થળે તેઓ ગયા હતા?
7. મુંબઈ હુમલામાં તહવ્વુર અને હેડલીની શું ભૂમિકા હતી?
8. ડેવિડને ઈન્ડિયન વિઝા અપાવવામાં મદદ કેવી રીતે કરી?
9. હુમલા માટે માહિતી મેળવવામાં હેડલીને શું મદદ કરી હતી?
10. લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સૈયદને કેવી રીતે ઓળખે છે, અને પહેલી વાર ક્યાં મુલાકાત થઈ હતી?
11. હાફિઝ સૈયદ સાથે શું અને કેવા સંબંધ હતાં?
12. લશ્કર-એ-તૈયબાની મદદ કેવી રીતે કરી, મદદ કરવાના બદલામાં શું મળ્યું?
13. લશ્કર-એ-તૈયબામાં હાફિઝ સૈયદ ઉપરાંત કેટલા લોકોને ઓળખે છે?
14. લશ્કર-એ-તૈયબાને ચલાવવા માટે ફંડ ક્યાંથી આવે છે, કોણ-કોણ લોકો સૌથી વધુ ફંડ આપે છે?
આ પણ વાંચોઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા!
15. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ કેવી રીતે મદદ કરે છે?
16. હુમલાના ટાર્ગેટ કેવી રીતે પસંદ કર્યા, તેના માટે આઈએસઆઈ શું સૂચના આપે છે?
17. લશ્કર-એ-તૈયબામાં કોણ ટ્રેનિંગ આપે છે, કેવી રીતે ભરતી કરે છે?
18. ડોક્ટરની નોકરી છોડી આતંકનો માર્ગ કેમ અપનાવ્યો?
19. પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈ સાથે કેવા સંબંધ હતા?
20. મુંબઈ હુમલામાં આઈએસઆઈ તરફથી માત્ર મેજર ઈકબાલ અને સમીર અલી સામેલ હતા, કે મોટા-મોટા અધિકારી પણ સામેલ હતા?
21. શું આઈએસઆઈ ઉપરાંત પાકિસ્તાન સરકારને પણ આ આતંકી હુમલા વિશે જાણ હતી?
22. હુમલા વખતે આતંકીઓને શું સૂચના આપવામાં આવી હતી?
23. એવું શું બોલીને છોકરાઓને આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવતાં હતાં?
24. હુમલાની સંપૂર્ણ પ્લાનિંગમાં કોણ કોણ સામેલ હતાં, તેમની ભૂમિકા શું હતી?