Ahmedabad Theft Case : અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલા સ્ટેલર કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા બિલ્ડરને ત્યાંથી બુધવારે રાતના સમય દરમિયાન કોઇ વ્યક્તિએ ડુપ્લીકેટ ચાવીથી ઓફિસ ખોલીને રૂપિયા 25.73 લાખની રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
બોડકદેવ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ અને શંકાને આધારે કેટલાંક લોકોની પુછપરછ શરૂ કરી
સેટેલાઇટમાં આવેલા પોપ્યુલર ડોમેઇનમાં રહેતા રવિભાઇ વર્મા બોડકદેવ સિંધુભવન રોડ પર આવેલા સ્ટેલર કોમ્પ્લેક્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવે છે. ગત બુધવારે નિત્યક્રમ મુજબ ઓફિસનો સ્ટાફ દરવાજો લોક કરીને ઘરે ગયો હતો. ગુરૂવારે સવારે સ્ટાફ ઓફિસ પર પહોંચ્યો ત્યારે જોયુ તો દરવાજો ખુલ્લો હતો અને તિજોરી તુટેલી હતી. જેથી આ અંગે રવિભાઇને જાણ કરવામાં આવતા તેમણે આવીને તપાસ કરતા તિજોરીમાં મુકેલી 25.73 લાખની રોકડની ચોરી થઇ હતી.
ચોરી કરનાર વ્યક્તિએ ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલતા ચોક્કસ જાણભેદુ હોવાની શક્યતા હતી. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.