– મહાગ્રામસભામાં આણંદ જિલ્લાના નેતાઓને તાકીદ
– 11 સભ્યોની કમિટી બનાવાઈ પણ નામ જાહેર ન કરાયા : પિટિશનની કામગીરી પૂર્ણ
આણંદ : રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને કહાનવાડીની ૨૩૭ વીઘા જમીન પાણીના ભાવે આપી દેવા સંદર્ભે મહાગ્રામસભા યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લાના સ્થાનિક નેતાઓ ૧૦ દિવસમાં જમીન વિવાદનો ઉકેલ નહીં લાવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની રૂા. ૧૧૪ કરોડની ૨૩૭ વીઘા જમીન માત્ર ૩૮ કરોડમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને આપી દેવાના વિવાદમાં કહાનવાડીના રામદેવપીર મંદિરે સાંજે પાંચ વાગે મહાગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા મુજબ જમીન સંદર્ભે આગામી દિવસોમાં લડત ચલાવવા માટે ૧૧ સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી પરંતુ, કમિટીના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. ગ્રામજનો દ્વારા આણંદ જિલ્લાના સ્થાનિક નેતાઓને દસ દિવસની મુદત આપીને જમીનના વિવાદ સંદર્ભે ઉકેલ લાવવાની વિનંતી પણ કરાઈ હતી. જો દસ દિવસ પછી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવો નિર્ણય પણ કરાયો હતો. ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા સંદર્ભે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.