– રાણાએ અન્ય શહેરો માટે પણ કાવતરું રચ્યું હોવાની એનઆઈએને આશંકા
– તહવ્વુર રાણાએ મુંબઈ હુમલા, ડેવીડ હેડલી, આઈએસઆઈ સાથે કનેક્શન મુદ્દે સંતોષકારક જવાબ આપ્યા નહીં : એનઆઈએ
નવી દિલ્હી : મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયા પછી ગુરુવારે મોડી રાતે એનઆઈએ કોર્ટે તેને ૧૮ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોર્ટના આદેશ પછી તહવ્વુર રાણાને એનઆઈએ મુખ્યાલય લવાયો હતો. એનઆઈએની ટીમે શુક્રવારે મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલાના કાવતરાં સંબંધિત ત્રણ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે બીમાર હોવાનું બહાનું કાઢીને પૂછપરછમાં સહકાર આપ્યો નહોતો.
તહવ્વુર રાણાને ગુરુવારે ભારત લવાયા પછી મોડી રાતે પાલમ એરપોર્ટથી સીધો જ પટિયાલા હાઉસમાં એનઆઈએની વિશેષ કોર્ટ સમક્ષ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં એનઆઈએએ તેની ૨૦ દિવસની કસ્ટડી માગી હતી. એનઆઈએ તરફથી વકીલ દયાન કૃષ્ણન અને વિશેષ સરકારી વકીલ નરેન્દર માને એનઆઈએ કોર્ટના ન્યાયાધીશ ચંદરજીત સિંહ સમક્ષ દલીલ કરી હતી કે, મુંબઈ હુમલાના કાવતરાંને ખુલ્લું પાડવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. તબવ્વુર રાણાએ મુંબઈ હુમલા જેવા કાવતરાં અન્ય શહેરો માટે પણ ઘડયા હોવાની આશંકા છે. ન્યાયાધીશે એનઆઈએને દરેક ૨૪ કલાકમાં રાણાની મેડિકલ તપાસ કરાવવા અને દર બીજા દિવસે તેમના વકીલને મળવા દેવાના નિર્દેશ આપ્યા હતા.
એનઆઈએએની ૧૨ સભ્યોની ટીમ રાણાની પૂછપરછ કરી રહી છે. શુક્રવારે સવારે ૧૦ વાગ્યે રાણાની પૂછપરછ શરૂ કરી હતી. એનઆઈએના ઈન્ટરોગેશન રૂમમાં સીસીટીવી સામે પૂછપરછ કરાઈ હતી અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું હતું. આ સિવાય એનઆઈએ રાણાની કસ્ટડી દરમિયાન દૈનિક પૂછપરછની એક ડાયરી પણ તૈયાર કરશે. અંતિમ તબક્કાની પૂછપરછ પછી તેનું ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લઈ લેવાશે.
એનઆઈએ અધિકારીઓએ કહ્યું કે, રાણાને મુંબઈ હુમલા, ડેવિડ હેડલી સાથે તેના સંબંધો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના કનેક્શન પર સવાલ કરાયા હતા. જોકે, રાણાએ મોટાભાગના સવાલોનો જવાબ ‘ખબર નથી’ અથવા ‘યાદ નથી’ કહીને ટાળી દીધો હતો. અધિકારીઓને રાણાનો જવાબ સંતોષકારક લાગ્યો નથી. પૂછપરછમાં તહવ્વુરના પરિવાર અને તેના મિત્રો સંબંધિત સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. જોકે, તેણે વારંવાર બીમારી હોવાનો દાવો કરીને પૂછપરછમાં સહયોગ આપ્યો નહોતો. રાણાએ તેને અસ્થમા, પાર્કિન્સન, હૃદય રોગ અને સંભવિત બ્લેડર કેન્સર જેવી બીમારીઓ હોવાનો દાવો કર્યો છે.
તહવ્વુર રાણાને 14 બાય 14ની કોટડીમાં રખાશે
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટે ૧૮ દિવસની એનઆઈએની અટકાયતમાં મોકલી આપ્યો છે. રાણાને સીજીઓ કોમ્પ્લેક્ષમાં એનઆઈએ મુખ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર બનેલા લોકઅપમાં રાખવામાં આવ્યો છે. આ સેલની સાઈઝ લગભગ ૧૪ બાય ૧૪ ફૂટ જેટલી છે. આ સેલને સીસીટીવીથી સજ્જ કરાયો છે, જેમાં જમીન પર એક પથારી પાથરવામાં આવી છે. બાથરૂમ પણ સેલની અંદર જ છે. આ સેલમાં માત્ર ૧૨ એનઆઈએ અધિકારીઓને જવાની મંજૂરી છે. સેલની અંદર જ રાણાને બધી જરૂરી સુવિધાઓ આપવામાં આવી છે.
તહવ્વુર રાણાને ભારત લઈ આવવાની ઈનસાઈડ સ્ટોરી
રાણાની ફ્લાઈટને ટ્રેકરથી બચાવવા ડમી કોડ વપરાયો
નવી દિલ્હી : મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં ૨૬-૧૧ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડમાંના એક તહવ્વુર રાણાને ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ ગુપ્ત અને સુનિયોજિત રીતે કામ કર્યું હતું. રાણાના પ્રત્યાર્પણમાં વધુ સાવધાની રાખવામાં આવી હતી. જાહેર ઉડ્ડયન ટ્રેકર્સ પર તહવ્વુર રાણાના વિમાનની જાણ થઈ શકે નહીં અને વિમાન પર હુમલાનું જોખમ ઘટાડવા માટે તેને ભારત લઈ આવનારા ચાર્ટર્ડ વિમાન ગલ્ફ સ્ટ્રીમ જી૫૫૦ માટે એક ડમી કોડ તૈયાર કરાયો હતો.
ભારતીય તપાસ એજન્સી ટીમ એનઆઈએ અને એનએસજી કમાન્ડોની એક ટીમ તહવ્વુર રાણાને લઈને વિમાન બુધવારે સવારે લોસ એન્જેલસથી રવાના થયું હતું અને રોમાનિયામાં એક પીટ સ્ટોપ પછી ગુરુવારે સાંજે ૬.૨૨ કલાકે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત આવતા વિમાનમાં રાણાને વચ્ચે બેસાડવામાં આવ્યો હતો અને તેની ચારે બાજુ બધી જ સીટો પર એનએસજી કમાન્ડો હતા. તેમની પાછળ એનઆઈએના વરિષ્ઠ અધિકારી હતા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરાણ બાદ તુરંત એનઆઈએએ તેની ધરપકડ કરી હતી.