Jamnagar Liquor Crime : જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં એક વાડીમાં કેટલાક બુટલેગરો દ્વારા ટ્રકમાંથી મોટા પાયે ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાનું કટીંગ કરવામાં આવી રહયું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ભારે નાશભાગ થઈ હતી. અને બુટલેગરો 331 પેટી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો, ટ્રક, બોલેરો અને સ્કૂટર વગેરે છોડીને ભાગી છુટ્યા હતા. પોલીસે રૂપિયા 38.43 લાખની માલમતા કબજે કરી લઈ પાડી માલિક ઉપરાંત વાહનના નંબરોના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમી મળી હતી, કે મોટા થાવરીયા ગામ પાસે એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ઘુસાડવામાં આવ્યો છે, અને બોલેરોમાં કટીંગ કરવામાં આવી રહ્યું છે. કેટલાક બુટલેગરો રાત્રિના અંધારામાં આ કાર્યવાહી કરી રહ્યા છે, જે બાતમીના આધારે મોડી રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. જે સમયે ભારે નાસભાગ થઈ હતી. બુટલેગરો ત્રણેય વાહનો અને દારૂનો જથ્થો છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 17,25,600 ની કિંમતનો 11,784 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો માતબર જથ્થો (331 પેટી) કબજે કરી લીધો હતો, ઉપરાંત એક ટ્રક, બોલેરો પીકપ વેન અને એક્સેસ સ્કુટર સહીત કુલ 38,43,600 ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે ત્રણેય વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરોને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
ઉપરોક્ત જંગી દારૂ નાના થાવરીયા ગામના ખેડૂત ભરતસિંહ લાખાજી જાડેજાની વાડીમાં કટીંગ થઈ રહ્યો હોવાથી સૌ પ્રથમ વાડી માલિક ભરતસિંહ જાડેજાને ફરાર જાહેર કરાયો છે. ત્યારબાદ બનાવના સ્થળેથી જીજે-10 ઝેડ-6509 નંબરનો ટ્રક મળી આવ્યા છે જે ટ્રકના ચાલકને ફરાર જાહેર કરાયો છે. ઉપરાંત જીજે-3 બી.વાય 7410 નંબરનું બોલેરો પીકપ વાહન પણ મળી આવ્યું છે. જે વાહન ચાલકને પણ ફરાર જાહેર કરાયો છે, અને તમામની શોધખોળ હાથ ધરાઈ રહી છે.