બોટાદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિતરીત થતો પાણી પુરવઠો ખોરવાયો
મોડીરાત્રે ભંગાણ સર્જાતા જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓ દોડી ગયા : યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું, રવિવાર સુધી વિતરણ ઠપ્પ
ભાવનગર: નાવડા પમ્પીંગ સ્ટેશનની પાઈપલાઈનમાં લિકેજ થતાં બોટાદ શહેર અને તાલુકાના અંદાજે બે લાખથી વધુ લોકોને ભરઉનાળે બે દિવસ તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ગત મોડી રાત્રે અકસ્માતે લાઈનમાં લિકેજ સર્જાતાં જીડબ્લ્યુઆઈએલે આગામી રવિવાર સુધી બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાના વિતરણને સ્થગિત કરવાની ફરજ પડી છે. જો કે, તંત્રએ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરી છે. પરંતુ, લિકેજના કારણે આજે પણ ટાઈમ-ટેબલ મુજબ બોટાદના અમુક વિસ્તારોમાં પાણી ન મળતાં સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
આ અંગેની વિગત એવી છે કે,ગુજરાત વોટર ઈન્ફ્રા. લિમિટેડ (જીડબ્લ્યુઆઈએલ) દ્વારા નાવડા પમ્પીંગ સ્ટેશન હેઠળ બોટાદ શહેર તથા ેતની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને બરવાળા તાલુકાના આંશિક ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં બોટાદના અંદાજે ૧.૭૦ લાખ શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૩૦ હજાર મળી બે લાખ લોકોને ક્રમશઃ પાણી વિતરણ કરવામાં આવે છે.દરમિયાનમાં ગત મોડીરાત્રે બોટાદ પંથકને પાણી પુરવઠો પુરી પાડતી નાવડા પમ્પીંગ સ્ટેશનની પાઈપલાઈનમાં લિકેજ સર્જાતાં જ જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. બરવાળા જીડબ્લ્યુઆઈએલના સિનિયર મેનેજરના જણાવ્યાનુંસાર આ લિકેજના કારણે ગત બુધવાર મધ્યરાત્રિથી આ લાઈનમાંથી વિતરિત થતાં પાણી પુરવઠાને સ્થગિત કરવામાં આવ્યો છે અને રિપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે આજે સવારે બોટાદ શહેર સહિત પંથકમાં વિતરીત થનાર પુરવઠો પણ સ્થગિત કરાયો છે. જયારે, રિપેરીંંગના કારણે આગામી તા. ૧૩ને રવિવાર સુધી પાણી વિતરીત થઈ શકશે નહી, રિપેરીંગ કામગીરી પૂર્ણ થયે પાણી પુરવઠો પુર્વવત કરવામાં આવશે તેમ તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું. જયારે, બોટાદ ચીફ ઓફિસર પાર્થ ગોસ્વીમીએ જણાવ્યું કે, લિકેજના કારણે બોટાદ શહેરમાં આગામી તા.૧૩ સુધી પાણી વિતરીત થશે નહીં, જે વિસ્તારોમાં પાણી વિતરણનું ટાઈમ-ટેબલ હશે તેમને ત્રણ દિવસના અંતરે પાણી મળશે તેમ તેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું. જો કે, આ લિકેજના કારણે બોટાદ પંથકવાસીઓને આગામી ત્રણ દિવસ પાણી વગર રહેવું પડશે તે હકિકત છે.