ખંભાતની કોર્ટે રૂા. 10 હજારનો દંડ પણ ફટકાર્યો
સરપંચે દુકાનદાર પાસેથી પશુઓ માટેનો ખોરાક ખરીદ્યા બાદ અડધા રોકડા અને અડનો ચેક આપ્યો હતો
તારાપુર: તારાપુર તાલુકાના દલોલીના સરપંચે ખંભાતના દુકાનદાર પાસેથી પશુઓ માટે ખોરાક ખરીદ્યો હતો. દુકાનદારને રૂા. ૨.૫૯ લાખનો આપેલો ચેક રિટર્ન થતા કેસ કર્યો હતો. ત્યારે ખંભાતની કોર્ટે દલોલીના સરપંચને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
ખંભાતના લાલ દરવાજા જીવનધારા હોસ્પિટલ નીચે નીલકંઠ કોમ્પલેક્ષમાં ઘનશ્યામભાઈ દેવાભાઈ ભરવાડ શક્તિ કેટલફીડ નામની દુકાનમાં પશુઓના ખોરાક વેચાણનો ધંધો કરે છે. શક્તિ કેટલ ફીડ દુકાનેથી તારાપુર તાલુકાના દલોલીના સરપંચ હિતુભાઈ ઉર્ફે હિતેષભાઇ ગભરુભાઈ ભરવાડે રૂા. ૪,૬૩,૭૬૭નો પશુઓના ખોરાકનો માલ ઉધાર ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા ૨,૦૩,૯૭૦ ટુકડે ટુકડે ચૂકવી આપ્યા હતા.
દલોલીના સરપંચે તા. ૧૧-૭-૨૦૨૪ના રોજ રૂા. ૨,૫૯,૭૯૭નો એચડીએફસી બેંક તારાપુર શાખાનો આપેલો ચેક જમા કરાવતા ડોરમેન્ટના શેરાથી ચેક રિટર્ન થયો હતો.
બાદમાં પણ નાણાં નહીં ચૂકવતા ફરિયાદી ઘનશ્યામભાઈ દેવાભાઈ ભરવાડે ખંભાતની કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. ઓડેદરાએ આરોપી દલોલીના સરપંચ હિતુભાઈ ઉર્ફે હિતેશભાઈ ગભરૂભાઈ ભરવાડને તકસીરવાન ઠેરવીને એક વર્ષની કેદની સજા અને ૧૦હજારનો દંડ ફટકાર્યો છે. ચેકની રકમ ફરિયાદનીને વળતર પેટે ચૂકવી આપવા જણાવ્યું છે. આરોપી દંડ અને વળતરની રકમ ચૂકવવા નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો છે. ઉપરાંત આરોપી વિરૂદ્ધ અમલવારી સારું નોન બેલેબલ વોરન્ટ ઈશ્યૂ કરવા પણ જણાવ્યું છે.