Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં સ્થિતિ વિકટ બની હતી. ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી દીધો. લોકોએ પથ્થરબાજો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગ કરી. વિસ્તારમાં સ્થિતિ તણાવભરી છે પરંતુ નિયંત્રણમાં છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયું છે. કલેક્ટર અને એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પથ્થરમારા દરમિયાન સ્થિતિને સંભાળતા કેટલાક પોલીસ જવાનો નજરે પડી રહ્યા છે.
કયા કારણે મામલો બિચક્યો?
મળતી માહિતી અનુસાર, શનિવાર સાંજે હનુમાન જયંતીની શોભાયાત્રા શાહના કોલ્હૂ પુરાથી પસાર થઈ હતી. આ શોભાયાત્રા રપટા, હાટ રોડ તરફ આવી રહી હતી. શોભાયાત્રામાં સામેલ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગીત વગાડતા સાંજે 8 વાગ્યે કર્નલગંજ સ્થિત મસ્જિદની સામે પહોંચી હતી. આ જગ્યાએ શોભાયાત્રા આગળ વધવાને લઈને એક કોર્પોરેટરની કોઈ સાથે રકઝક થઈ ગઈ.
આ દરમિયાન ક્યાંકથી શોભાયાત્રા પર પથ્થર ફેંકાયા. ત્યારબાદ માહોલ બગડ્યો અને બંને તરફથી પથ્થરમારો થવા લાગ્યો. આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારી લોકોને પથ્થરમારો ન કરવાની અપીલ કરતા નજરે પડી રહ્યા છે.