– સવા નવ વર્ષ પૂર્વેની ઘટનામાં ગઢડા કોર્ટનો ચુકાદો
– દુકાનનો દસ્તાવેજ નામે કરી આપવાનું કહીં હોકીના ઘા ઝીંકી ધમકી આપી હતી
ભાવનગર : ગઢડામાં સવા નવ વર્ષ પૂર્વે દુકાનનો દસ્તાવેજ નામે કરી આપવાનું કહીં ભાડુઆત શખ્સે દંપતીને હોકીના ઘા ઝીંકી ધમકી આપ્યાના કેસમાં ગઢડા કોર્ટે શખ્સને બે વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડામાં રહેતો ઈશ્વર શામજીભાઈ સોલંકી નામના શખ્સે ગત તા.૧૫ ડિસેમ્બર,૨૦૧૬ના રોજ હાથમાં હોકી લઈ જતીનભાઈ સવજીભાઈના ઘરે આવી તમારી દુકાનનો દસ્તાવેજ મારા નામે કરી આપો તેમ કહેતા જતીનભાઈએ દુકાનનો દસ્તાવેજ નામે કરી આપવાની ના પાડતા ભાડુઆત ઈશ્વર સોલંકીએ ઉશ્કેરાઈ જઈ ગાળો દઈ જતીનભાઈ અને તેમના પત્ની વિમળાબેનને હોકીનો ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે જતીનભાઈએ શખ્સ સામે ગઢડા પોલીસમાં આઈપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), જીપીએ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. જે અંગેનો કેસ ગઢડના એડી. જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ.જે. વાસુની કોર્ટમાં ચાલી જતાં એ.પી.પી. એસ.આર. પટેલની ધારદાર દલીલો, દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી ગઈકાલે શુક્રવારે ન્યાયમૂર્તિ એ.જે.વાસુએ આરોપી ઈશ્વર સોલંકીને તકસીરવાન ઠેરવી બે વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.