– કોંગ્રેસે કટોકટી દરમિયાન બંધારણને કચડી નાખ્યું હતું
– કોંગ્રેસને મુસલમાન પ્રત્યે આટલો પ્રેમ હોય તો આટલા વર્ષોમાં કોઈ મુસ્લિમને પક્ષના પ્રમુખ કેમ ન બનાવ્યા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં હિસારની મુલાકાતમાં કેટલીય યોજનાઓનું ઉદઘાટન કર્યુ હતુ અને જનસભાને સંબોધતા વક્ફ પછી યુસીસીને અમલમાં લાવવાનો સંકેત આપ્યો હતો. તેના પગલે વક્ફ પછી યુસીસી આવશે તેવી ચર્ચાએ પણ વેગ પકડયો છે.આ દરમિયાન તેમણે વકફ કાયદા પર તેમનો પક્ષ રાખ્યો અને તેનો વિરોધ કરનારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે બંધારણને સત્તા મેળવવાનું હથિયાર બનાવી દીધું છે. કોંગ્રેસને જ્યારે પણ લાગ્યું કે સત્તા તેના હાથમાંથી જઈ રહી છે ત્યારે તેણે બંધારણને રીતસરનું કચડી નાખ્યું. બંધારણની ભાવના સ્પષ્ટરૂપે કહે છે કે દરેક નાગરિક માટે સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ, જેને હું ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા કહું છું. કોંગ્રેસે ક્યારેય સમાન નાગરિક આચારસંહિતા લાગુ ન કરી. આમ કરીને તેણે બંધારણીય ભાવનાનો છેદ ઉડાડયો. ઉત્તરાખંડમાં અમે સમાન નાગરિક આચારસંહિતા લાગુ કરી છે, પરંતુ કોંગ્રેસ તેનો વિરોધ કરતી આવી છે.તેમણે આગળ જણાવ્યું હતું કે વક્ફ બોર્ડ પાસે લાખો હેક્ટર જમીન છે, પરંતુ ગરીબો અને જરૂરતમંદો માટે સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ૨૦૧૩માં કટ્ટરવાદી મુસ્લિમોના તુષ્ટિકરણ માટે વક્ફ એક્ટ ૨૦૧૩માં સંશોધન કર્યુ. ચૂંટણી જીતવા માટે થોડા મહિના પહેલા આ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ એવો કાયદો હતો જેના લીધે બંધારણ નબળું પડી ગયું હતું.
આટલું જ નહીં પીએમ મોદીએ ત્યાં સુધી જણાવ્યું હતું કે જો કોંગ્રેસનો મુસલમાનો પ્રત્યે આટલો પ્રેમ હોય તો તેણે હજી સુધી કોઈ મુસલમાનને પક્ષનો અધ્યક્ષ કેમ બનાવ્યો નથી. તે ચૂંટણીમાં અડધી ટિકિટો મુસલમાનોને કેમ આપતી નથી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે કટોકટી દરમિયાન બંધારણને કબ્રસ્તાન ભેગુ કરી દીધું હતું. બંધારણની મૂળ ભાવના બધા માટે સમાન નાગરિક કાયદાની છે, પણ કોંગ્રેસે તેના પર ક્યારેય કામ કર્યુ નથી. હું તેના પર કામ કરું છું તો કોંગ્રેસને તેની સામે વાંધો છે.
મુસ્લિમ યુવાનો પંક્ચર બનાવીને જીવે છે : મોદી
મોદીએ હરિયાણાની સભામાં વક્ફનો મુદ્દો ઉઠાવીને કરેલી ટીપ્પણીએ વિવાદ ઉભો દીધો છે. મોદીએ દાવો કર્યો કે, મુસલમાન યુવાનો સાયકલનાં પંક્ચર કરીને જીંદગી વિતાવે છે પણ વક્ફનો જમીનોનો ઈમાનદારીથી યોગ્ય ઉપયોગ કરાયો હોત તો મોદીએ સાયકલનાં પંક્ચર કરીને જીંદગી ના વિતાવવી પડતી હોત. મોદીએ કહ્યું કે, દેશમાં વક્ફના નામે લાખો એકર જમીન પડેલી છે. આ જમીનનો ઉપયોગ ગરીબો માટે બેસહારા મહિલાઓ અને મુસ્લિમ બાળકોના ભલા માટે થવો જોઈતો હતો પણ એવું ના થયું. આ જમીનનો ઈમાનદારીથી ઉપયોગ થયો હોત તો મુસ્લિમ યુવાઓની હાલત અલગ હોત.