Vadodara News: વડોદરાના રાજમહેલ રોડ ઉપર ઉભી રહેલ યુવતીનો વીડિયો રેકોર્ડિંગ કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. શહેરના હરણી વારસિયા રીંગરોડ ખાતે રહેતી 26 વર્ષીય યુવતી અશ્વિના (નામ બદલ્યું છે). મંગળવારે 15 એપ્રિલ રાત્રે 8:30 કલાકની આસપાસ મિત્ર સાથે રાજમહેલ રોડ પર આવેલા વ્રજ સિદ્ધિ ટાવર ખાતે મોબાઈલનું કવર બદલવા માટે પહોંચી હતી.
યુવતી રસ્તા ઉપર ઉભી હતી તે સમયે એક શખ્સ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હોવાની શંકા ગઈ હતી. જેથી યુવતીએ આ બાબતની જાણ મિત્રને કરતા તેણે શખ્સનો મોબાઈલ ફોન ચકાસતા યુવતીનું વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેની ગેલેરીમાં અન્ય યુવતીઓના પણ વિડિયો રેકોર્ડિંગ મળી આવ્યા હતા. સ્થાનિકોએ શખ્સને મેથીપાક ચખાડી નવાપુરા પોલીસના હવાલે કર્યો હતો.