Jamnagar Accident : જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર રણુજા નજીક એક બાઈક અને બોલેરો પીકપ વાન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને ધુડસીયા ગામના દાદી પૌત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં બાઈક સવાર યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં ખોપડી ફાટી જવાના કારણે અંતરિયાળ મૃત્યુ નિપજ્યું હતું, જયારે પાછળ બેઠેલા દાદીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. જે મામલે બોલેરોના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂડશિયા ગામમાં રહેતો ક્રિશ કેતનભાઇ માધાણી નામનો 22 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં ગઈકાલે સવારે 11.00 વાગ્યાના અરસામાં પોતાના દાદી સામુબેનને બેસાડીને કાલાવડના રણુજા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે.10 ટી.વાય. 1670 નંબરની બોલેરો પીકપ વાનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં દાદી પૌત્ર ઘાયલ થયા હતા. જેમાં પૌત્ર કે જેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, અને ખોપડી ફાટી જવાના કારણે તેનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
ઉપરાંત પાછળ બેઠેલા દાદી સામુબેન કે જેઓને પણ ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ક્રિશના પિતા કેતનભાઇ બાબુભાઈ માઘાણીએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.