વડોદરા, તા.16 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં લાલબાગ પાણીની ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સમ્પની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન નીકળતી માટી અને રોડા છારૃ બાજુમાં આવેલા લાલબાગ તળાવમાં નાખવામાં આવતા તળાવ પૂરાઈ રહ્યું છે.
વોર્ડ નંબર ૧૩ ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ચોખંડી, બકરાવાડી, ન્યાયમંદિર, વિજય સોસાયટી, નવાપુરા વગેરે વિસ્તારનું વરસાદી પાણી લાલબાગ તળાવમાંથી આગળ મસિયા કાંસમાં થઈ નદીમાં ઠલવાય છે, પરંતુ ટાંકીની કામગીરી દરમિયાન અહીં નજીકમાં માટી અને કાટમાળના ઢગલા કરી દેવાતા અડધું તળાવ પૂરાઈ ગયું છે. ગયા વર્ષે વડોદરામાં ત્રણ વખત વિનાશક પૂર આવ્યું હતું, ત્યારે આ વિસ્તારમાં એક એક માળ ડૂબે તેટલું પાણી ભરાયું હતું, અહીં માટી અને રોડા છારુના પૂરાણથી તળાવમાં પાણીના નિકાલની જગ્યા રોકાઈ ગઈ છે. હવે ભારે વરસાદ પડશે ત્યારે તળાવમાં પૂરાણ હોવાથી પાણી આગળ જશે નહીં, અને વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાશે. આવું ફરીવાર ન બને અને લોકો વિના કારણે મુશ્કેલીમાં ન મુકાય તે માટે અત્યારે આ બધું હટાવી દૂર લઈ જઈ તળાવ ખુલ્લું કરવા માંગણી કરી કહ્યું છે કે, કોર્પોરેશન એકબાજુ બીજા તળાવો ખોદીને ઊંડા કરે છે, જ્યારે અહીં તલાવ પરવામાં ઔઆવે છે.