– ગ્રાહકોને રોજેરોજ મોબાઈલ એપ પર વીજ વપરાશ, વીજ લોડ વગેરે માહિતી મળી શકશે
– સરકારી કચેરીઓ, વીજ કર્મચારીઓના ઘર બાદ હવે રહેણાંક-કોમર્શિયલ સહિતના કનેક્શનોમાં સ્માર્ટ મીટર ફીટ કરવાનું શરૂ કરાયું
ભાવનગર : રાજ્યના અનેક શહેરો-જિલ્લામાં સ્માર્ટ વીજ મીટરને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલ તંત્રએ ૧૧ હજાર જેટલા સ્માર્ટ વીજ મીટર લગાવી દીધા છે. અન્ય જિલ્લાઓની જેમ વિવાદનો મધપૂડો ના છેડાય તે માટે ગ્રાહકો જેટલું રિચાર્જ કરાવે તેટલો જ વીજ પુરવઠો વાપરવા મળે તેવી પ્રિપેઈડની સિસ્ટમને હાલ પુરતી પડતી મુકી જે ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર લાગ્યા છે, તેમના માટે પણ બિલીંગ સિસ્ટમ જ અમલી રાખવામાં આવી છે.
આ અંગે પીજીવીસીએલના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી વીજ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રાથમિક ધોરણે સરકારી કચેરીઓ તેમજ પીજીવીસીએલના કર્મચારી-અધિકારીઓના ઘરે વીજ સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવ્યા બાદ હવે ખેતીવાડીને બાદ કરતા રહેણાંક, કોમર્શિયલ સહિતના કનેક્શનોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે ૧૧,૦૦૦ જેટલા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની ડેટલાઈનને અનુસરી સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
વધુમાં સ્માર્ટ વીજ મીટરનો એક્યુરેસી લેવલ જૂના મીટર જેટલું જ છે. વીજ ગ્રાહકો પાસે સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. પ્રિપેઈડના બદલે પોસ્ટ પેઈડની જેમ જ નિયત તારીખે મીટર રિડર દ્વારા રિડીંગ કરી બિલ આપવામાં આવશે. જૂના મીટરોમાં ગ્રાહકોને બિલ આવે ત્યારે જ વીજ વપરાશ અંગેની જાણકારી થતી હતી. પરંતુ સ્માર્ટ વીજ મીટરના કારણે ગ્રાહકો તેમના મોબાઈલ ફોન પર જ એપ્લિકેશન મારફત તેમનો કેટલો વીજ વપરાશ થયો, કેટલો વીજ લોડ છે. વીજ લોડમાં વધારો થયો છે કે કેમ ?, ખોટા રિડીંગ બાબતે વીજ તંત્ર અને ગ્રાહકો વચ્ચે તકરાર થતી હતી તેમાં પણ ઘટાડો થશે તેવો દાવો કરાયો હતો.
વધુ બિલની હજુ સુધી એકપણ ફરિયાદ નહીં
ભાવનગર શહેર અને જિલ્લામાં આજની સ્થિતિએ અંદાજે ૧૧ હજાર જેટલા સ્માર્ટ વીજ મીટર ફીટ પણ કરી દેવાયા છે. ત્યારે હજુ સુધીમાં વધુ બિલ આવવાની કે અન્ય કોઈ ફરિયાદ પીજીવીસીએલની એક પણ કચેરીમાં આવી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બપોરે 1 થી 3 કલાકમાં 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અપાશે
સ્માર્ટ વીજ મીટર ફરજીયાત કરવા માટે સરકારે પીછેહઠ કરી જૂના પેન્ડીંગ બિલ રિચાર્જમાંથી કાપવા અને પ્રિપેઈડનો હાલ પુરતો નિર્ણય પાછો ખેંચી બિલ સિસ્ટમ જ લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે સ્માર્ટ વીજ મીટરધારક ગ્રાહકોને બપોરે ૧થી ૩ કલાક વચ્ચેના વીજ વપરાશમાં ૬૦ પૈસા ડિસ્કાઉન્ટ આપવાનું પણ જાહેર કરાયાનું સૂત્રોએ જણાવ્યું છે.