મુસાફરો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ
એસટી તંત્રના વાંકે મુસાફરો રાત્રિના સમયે અંધારામાં બસની રાહ જોવા મજબુર
સાયલા: સાયલામાં કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પરંતુ સુવિધાના નામે કોઇ વ્યવસ્થા જોવા મળતી નથી. બસ સ્ટેન્ડમાં મોટાભાગે લાઇટો રિપેરીંગમાં લઈ ગયા બાદ ફરીથી લગાવવામાં નહીં આવતા રાત્રિના સમયે અંધારપટ છવાય જાય છે.
ચોટીલા શહેરમાં આજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એસ.ટી. બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ સાયલા શહેરમાં ૧.૩૬ કરોડના ખર્ચે બનાવેલું જાળવણીના અભાવે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા દસ દિવસથી રાત્રિના સમયે લાઈટો બંધ જોવા મળી રહી છે.
બસ સ્ટેન્ડના કર્મચારીઓના અણઘડ વહિવટના કારણે પરિવાર સાથે મહિલાઓ બાળકો સાથે રાત્રિના અંધારામાં બેસવું પણ મુશ્કેલ છે. રાત્રિના સમયે સ્ટાફ પણ ફરજ પર હાજર ન હોવાથી પૂછપરછ માટે પણ મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
મુસાફરો સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન હાલ ઊભા થયા છે. લાઇટ બંધ બાબતે સાયલા ડેપો મેનેજર જયદિપસિંહના જણાવ્યા પ્રમાણે શોર્ટ સકટના કારણે લાઇટો બંધ છે. ઉપર સુધી આ બાબતની જાણ કરવામાં આવે છે છતાં પણ ઉપરથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી.