સ્થાનિક ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી નહીં કરતાં
અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા બિલ્ડરો ખનન કરી સાઇટમાં પુરાણ કરતા પંચનામુ કરાયું
વિરમગામ: વિરગામ શહેરમાં ગૌચરમાંથી માટી ખનન મામલે સ્થાનિક ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી નહીં કરતાં ગાંધીનગરની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા બિલ્ડરો ખનન કરી સાઇટમાં પુરાણ કરતા પંચનામુ કરી તપાસ હાથ ધરી છે.
વિરમગામ શહેર અને તેની આસપાસ ઔદ્યોગિક વિકાસ થતાં બહારથી ધંધો-રોજગાર કરવા માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ બહુચરાજી હાઇવે પર નીલકી પોપટ ચોકડી વિસ્તારમાં ન્યુ વિરમગામનો વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં નવા રહેણાંક મકાનો બંગલોઝ ફેલેટો કોમશયલ કોમ્પલેક્ષો નવા આકાર લઈ રહ્યા છે જેના કારણે જમીનમાં માટી પૂરાણ કરવા માટે માટેનીની ભારે માર્ગ ઉભી થઇ છે.
સરકારી, અર્ધસરકારી અધિકારીઓ, સરપંચ, તલાટી સાથે સાંઠગાઠ ધરાવતા કોન્ટ્રાક્ટર-બિલ્ડર લોબી દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબા, સરકારી તળાવ ખોદી રોયલ્ટી ચૂકવ્યા વગર નીલકી ગામ નજીક પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લા પ્લોટમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. વિરમગામ શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે વિરમગામ શહેરના જવાબદાર સરકારી તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં જવાબદાર સરકારી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના પગલે અરજદારે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીને રજૂઆત કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ વિરમગામ ખાતે દોડી આવી હતી અને સ્થળ ઉપર રૂબરૂ પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.