CM Releases Book ‘Mithilanchal Diary’ : આપણે વાંચન અને અભ્યાસ કરીને ચિંતન-મનન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. પ્રવાસ સાહિત્યમાં આપણને વારસાની અનુભૂતિ મળે છે. એટલે જ ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું વિશેષ મહત્ત્વ હોય છે. આપણે પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લઈએ, ત્યારે પ્રવાસ તો કરીએ જ છીએ, પરંતુ સાથે હૃદયપૂર્વક તેનો અનુભવ માણવો જોઈએ. મિથિલાંચલ ડાયરીએ યાત્રા સાહિત્યના પ્રકારની કૃતિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડૉ. ખ્યાતિ પુરોહિત શાહના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા -મિથિલાંચલ ડાયરી’નું ગાંધીનગરમાં વિમોચન કર્યું ત્યારે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે
‘મિથિલાંચલ ડાયરી’ પ્રવાસ સાહિત્યના પ્રકારની કૃતિ છે. આ વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘સાહિત્યના શબ્દો અદભુત શક્તિ ધરાવે છે. સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે. જ્યારે સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે. સાહિત્યકાર જ સમાજમાં જાગૃતિનો સંચાર કરે છે.’
આપણે પ્રવાસ સાહિત્યને ગંભીરતાથી લીધું નથી
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકર પણ હાજર રહ્યા હતા. આ પુસ્તક વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદે સાહિત્યના વિકાસ અને પ્રોત્સાહન માટે યાત્રાને ખૂબ ગંભીરતાથી લીધું છે. ભારતમાં તો પ્રવાસ સાહિત્યને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ કારણ કે, જ્યારે પણ પ્રવાસ વર્ણનોની વાત આવે છે ત્યારે આપણને ફાહ્યાન, હ્યુન સાંગ અને મેગેસ્થિનિસ જેવા નામ કાને પડે છે. શું કોઈ ભારતીય પ્રવાસીએ કંઈ લખ્યું જ નથી? ના, એવું નથી પણ આપણે પ્રવાસ સાહિત્ય અને તેના લેખકોને ગંભીરતાથી લીધા જ નથી. ગુજરાતમાં કાકાસાહેબ કાલેલકર છે, જેમણે ખૂબ સારું પ્રવાસ સાહિત્ય આપ્યું છે.’
ઈતિહાસકાર અને સાહિત્યકારમાં ભેદ છે
આ વાત કરીને શ્રીધર પરાડકરે ઈતિહાસકાર અને સાહિત્યકાર વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઈતિહાસકાર અને સાહિત્યકાર જુદી રીતે સાહિત્ય લખે છે. એક સાહિત્યકાર કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને લેખન કરે, તો તેમાં વધુ ઊંડાણ હોય એવું બની શકે છે. તેના વાંચનથી સામાન્ય લોકોની સમજણ વધુ વિકસે છે. ‘મિથિલાંચલ ડાયરી’ પણ આવું જ સાહિત્ય છે. મિથિલા નગરીને ડૉ. ખ્યાતિએ ફક્ત આંખોથી નહીં પણ હૃદયથી જોઈ છે, અનુભવી છે.
આ પ્રસંગે પુસ્તકનાં લેખિકા ડૉ. ખ્યાતિ પુરોહિત શાહે પુસ્તક લખવાની યાત્રાનો ઉલ્લેખ કરીને તમામનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ, સાહિત્યકારો, અધ્યાપકો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.