– કેન્દ્ર 7 દિવસમાં જવાબ આપે, આગામી સુનાવણી સુધી કેટલીક જોગવાઈઓ લાગુ નહીં થાય
– વક્ફ સંપત્તિની સ્થિતિ નહીં બદલાય, વક્ફ બાય યુઝર સહિત કોર્ટ દ્વારા જાહેર વક્ફ સંપત્તિ ડી-નોટિફાઈ નહીં કરાય, વક્ફ બોર્ડ-પરિષદમાં કોઈ નિમણૂક નહીં થાય
– નવા કાયદામાં કેટલીક સારી જોગવાઈઓ હોવાથી સંપૂર્ણપણે સ્ટે મૂકી શકાય નહીં : મુખ્ય ન્યાયાધીશ
– નવા વક્ફ કાયદા વિરુદ્ધ 70માંથી માત્ર પાંચ અરજીઓ પર જ પાંચ મેના રોજ સુનાવણી કરાશે
નવી દિલ્હી : નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી થઈ હતી. આ સમયે સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર હાલ સ્ટે લગાવ્યો નથી અને કેન્દ્ર સરકારને સાત દિવસમાં આ મુદ્દે જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં તેને સાંભળ્યા વિના વચગાળાનો આદેશ નહીં આપવાની કેન્દ્રની દલીલ સ્વીકારી લીધી છે. પરંતુ આ સમયમાં કેન્દ્ર સરકાર વક્ફ કાઉન્સિલ અથવા બોર્ડમાં કોઈ નિમણૂંક નહીં કરી શકે તેમજ વક્ફ બાય યુઝર સહિત વક્ફ મિલકતનું નોટિફિકેશન રદ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટના આ પગલાંને નવા વક્ફ કાયદાના અમલમાં ‘આડકતરી બ્રેક’ સમાન માનવામાં આવે છે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશો સંજય કુમાર અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે વિવાદાસ્પદ નવા વક્ફ (સુધારા) કાયદાને પડકારતી અરજીઓ પર સતત બીજા દિવસે સુનાવણી કરી હતી. આ સમયે સુપ્રીમ કોર્ટ વક્ફ કાયદા પર હાલ સ્ટે નહીં મૂકવા સંમત થઈ છે. જોકે, આ પહેલાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે વક્ફ કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં નહીં આવે. આ સિવાય વક્ફ બાય યુઝર સહિત અગાઉથી વક્ફ કરાયેલી સંપત્તિઓને ડીનોટીફાઈ નહીં કરવામાં આવે તેમજ કલેક્ટરને પણ બદલવામાં નહીં આવે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે આ કાયદો બનાવતા પહેલા લાખો લોકો સાથે વાત કરી હતી. સરકાર જનતા પ્રત્યે જવાબદેય છે. અનેક ગામોની જમીન પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. એવામાં સામાન્ય લોકોના હિતોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ કાયદા પર તુરંત સ્ટે મૂકવો એ કોર્ટનું ખૂબ જ આકરું પગલું હશે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે બીજા દિવસે એક કલાક સુનાવણી કરી હતી. સુપ્રીમે કેન્દ્ર સરકારને કાયદાની મહત્વની જોગવાઈઓ પર જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. સરકારના જવાબ પછી અરજદારોને પાંચ દિવસમાં જવાબ આપવાનો રહેશે. આગામી સુનાવણી પાંચ મેના રોજ થશે. સુપ્રીમે કહ્યું કે, નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ ૭૦ અરજીઓની જગ્યાએ માત્ર પાંચ અરજીઓ જ દાખલ કરવામાં આવે, જેના પર સુનાવણી થશે. ત્યાં સુધી સરકારે ત્રણ નિર્દેશો માનવાના રહેશે.
સુપ્રીમે કહ્યું કે, ૧૧૦થી ૧૨૦ ફાઈલો વાંચવી શક્ય નથી. માત્ર પાંચ મુદ્દા નક્કી કરવામાં આવે, જેના પર સુનાવણી થશે. મુખ્ય મુદ્દાઓ પર અરજદારો સહમતી બનાવે. સીજેઆઈએ કહ્યું કે, ૧૯૯૫ના વક્ફ કાયદા અને ૨૦૧૩માં કરાયેલા સુધારાને પડકારતી રિટ અરજીઓને આ યાદીમાં અલગથી દર્શાવવામાં આવે. ૨૦૨૫ના કેસોમાં રિટ દાખલ કરનારા અરજદારોને વિશેષ મામલા તરીકે જવાબ દાખલ કરવાની સ્વતંત્રતા છે. અમે માત્ર પાંચ અરજીઓ પર સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટે નવા વક્ફ કાયદાની ત્રણ મુખ્ય જોગવાઈઓ અંગે પ્રથમ દૃષ્ટિએ એવું મંતવ્ય આપ્યું હતું કે તેના ગંભીર પરિણામ આવી શકે છે. પરંતુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ જોગવાઈઓને લાગુ કરતા રોકવાનો આદેશ નહીં આપવા અને સરકારને જવાબ માટે થોડો વધુ સમય આપવા માગ કરી હતી, જેને પગલે સુપ્રીમે આ જોગવાઈઓ પર વચગાળાનો આદેશ આપ્યો નહોતો.
સુપ્રીમે બુધવારે નવા વક્ફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂકવાની સંભાવનાઓના સંકેત આપ્યા હતા. આ જોગવાઈઓ વક્ફ બોર્ડ અને પરિષદમાં બિન મુસ્લિમોનો સમાવેશ કરવા, સરકારી જમીન પર હોવાની સ્થિતિમાં નોંધણી ના થઈ હોય તેવી વક્ફ બાય યુઝર સંપત્તિને સંભવિતરૂપે બિન નોટીફાઈ કરવા અને કોર્ટના આદેશ મારફત વક્ફ જાહેર કરાયેલા ખાનગી ટ્રસ્ટોને નવા કાયદા અનુસાર વક્ફ નહીં માનવા સંબંધિત છે. આ જોગવાઈઓમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે સ્થિતિ બદલાય. અમે નથી ઈચ્છતા કે આજે જે સ્થિતિ છે તેમાં એટલો મોટો ફેરફાર આવે કે તેનાથી અસર પડે. કોર્ટ એવી કલમો પર સ્ટે મૂકવા માટે ઈચ્છુક નથી, જે ઓછામાં ઓછા પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરી રહ્યા હોય તેવી કોઈ વ્યક્તિને વક્ફ બનાવવાની મંજૂરી આપે છે.
જેપીસી અધ્યક્ષ જદગંબિકા પાલનો દાવો
વક્ફ કાયદામાં ભૂલ નીકળશે તો સાંસદપદેથી રાજીનામું આપી દઈશ
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વક્ફ બોર્ડ ધાર્મિક સંસ્થા નહીં કાયદાકીય સંસ્થા છે : જગદંબિકા પાલ
નવી દિલ્હી : નવા વક્ફ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં સતત બે દિવસ સુનાવણી થઈ છે ત્યારે સંસદીય સંયુક્ત સમિતિ (જેપીસી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે નવા વક્ફ કાયદામાં એક પણ ભૂલ નીકળશે તો તેઓ સાંસદપદેથી રાજીનામું આપી દેશે.
ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું કે, રાજકીય પક્ષો વોટ બેન્કનું રાજકારણ કરી રહ્યા છે અને મુસ્લિમ તુષ્ટીકરણનું રાજકારણ યોગ્ય નથી. પોતે કોઈપણ પ્રકારના રાજકારણથી પ્રેરિત નથી અને સંપૂર્ણ નિષ્પક્ષતાથી કામ કરી રહ્યા છે. જેસીપીસે આ મુદ્દે ૩૮ બેઠક કરી છે અને બધા જ સવાલોના આધારહિન છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં એ બાબત પર ભાર મુકાયો છે કે સંશોધનો હેઠળ હિન્દુ વ્યક્તિનો વક્ફ બોર્ડમાં કેવી રીતે સમાવેશ કરી શકાય. આ સંદર્ભમાં જગદંબિકા પાલે કહ્યું કે બિન-મુસ્લિમનું વક્ફ બોર્ડમાં હોવાનું પહેલા જ સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ મુજબ નિશ્ચિત થઈ ગયું છે. સુપ્રમ કોર્ટ મુજબ વક્ફ બોર્ડ કાયદાકીય સંસ્થા છે, ધાર્મિક સંસ્થા નથી.
બંધારણને અસર થતી હોય તો સરકારી કાયદો સુપ્રીમ કોર્ટ રદ કરી શકે
સુપ્રીમે તાજેતરમાં વકફ સુધારા કાયદાને અટકાવી દીધો છે. આ કાયદા મુદ્દે સુપ્રીમમાં થયેલી અરજીની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે, આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી વકફ સુધારા બિલ લાગુ નહીં કરી શકાય કે તેને સંલગ્ન કોઈ કામગીરી નહીં કરી શકાય. સવાલ એ થાય કે, સંસદમાં પસાર થયેલો અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયેલો ખરડો જ્યારે કાયદો બને તો સુપ્રીમ તેને રદ કરી શકે છે. તેનો જવાબ છે હા. મહત્ત્વની વાત એ છે કે, બંધારણની સાથે ચેડાં થયા હોય અથવા તો કાયદા થકી બંધારણના અધિકારોને હાની પહોંચતી હોય કે બંધારણને અસર થતી હોય તો તેવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી શકે છે અને જરૂર પડયે કાયદો પણ રદ કરી શકે છે. કાયદા વિરુદ્ધ જ્યારે અરજી થાય ત્યારે અરજદારે સાબિત કરવું પડે કે, કાયદો બંધારણનો ભંગ કરે છે અથવા તો બંધારણની મૂળ ભાવના સાથે ચેડાં કરે છે તો સુપ્રીમ કાયદો રદ કરવાનો આદેશ પણ આપી શકે છે.