મુંબઈ : એપ્રિલમાં સતત પાંચમાં મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમમાં કેશ હોલ્ડિંગમાં વધારો જોવા મળ્યો હતો. ૩૦ એપ્રિલના રોજ દેશના ટોચના ૨૦ ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમના કુલ પોર્ટફોલિઓમાં રોકડનો હિસ્સો વધી ૭.૨૦ ટકા રહ્યો હોવાનું એક સ્ટોક બ્રોકિંગ હાઉસના રિપોર્ટમાં જણાવાયું હતું.
મે ૨૦૨૧ બાદ કેશ હોલ્ડિંગનો આ આંક સૌથી ઊંચો છે.
વૈશ્વિક સ્તરે વેપારમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ફન્ડ હાઉસો હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે અને નવી ખરીદીમાં સાવચેતી રાખી ધરાવે છે.
માર્ચમાં કેશ હોલ્ડિંગનો આંક ૬.૯૦ ટકા રહ્યો હતો. દરેક ફન્ડ હાઉસોના મળીને ઉદ્યોગ સ્તરે કેશ હોલ્ડિંગની માત્રા એસેટ અન્ડર મેનેજમેન્ટના ૬.૧૦ ટકા રહી છે.
બજારમાં વોલેટિલિટીના સમયે ફન્ડ હાઉસો નીચા ભાવે ખરીદીની તકનો લાભ લેવા હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ ધરાવતા હોય છે. વોલેટિલિટીના સમયમાં રોકાણકારો તરફથી વધતા રિડમ્પશનને પણ ફન્ડો ધ્યાનમાં રાખતા હોય છે.
ટોચના વીસ ફન્ડોમાંથી ચાર ફન્ડો એવા છે જેમની પાસે તેમની એયુએમના દસ કે તેથી વધુ ટકા કેશ હોલ્ડિંગ જોવા મળ્યું હતું એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. એક ફન્ડ હાઉસ પાસે તો આ આંક ૨૩.૬૦ ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો.
અમેરિકા દ્વારા ટેરિફ વોરની જાહેરાત બાદ રોજેરોજ આવતા નિર્ણયોને કારણે ઈક્વિટી બજારમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. વેપાર મોરચે કોઈપણ ઘટનાક્રમની ઈક્વિટી બજાર પર સીધી અસર જોવા મળતી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
જોકે એપ્રિલમાં ફન્ડ મેનેજરો દ્વારા ઈક્વિટીની ખરીદીમાં માર્ચની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો. મેમાં અત્યારસુધીમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ રૂપિયા ૧૮૧૧૧ કરોડની ખરીદી રહી હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.