– સરેરાશ સામાન્યથી તાપમાન 3.1 ડિગ્રી વધુ રહ્યું
– આકરી ગરમી માટે નાગરિકો તૈયાર રહેવું પડશે, મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે પહોંચી શકે
ભાવનગર : ભાવનગરમાં યલો એલર્ટ વચ્ચે ગરમીનો પારો સતત બીજા દિવસે ૪૦ ડિગ્રીની ઉપર રહેતા નાગરિકોએ અકળામણ અનુભવ કરાવતી ગરમીનો અહેસાસ કર્યો હતો. આવતીકાલે પણ ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે
ઉનાળાની ઋતુ હવે આકરી બનવા લાગી હોય તેમ શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. રવિવારે પ્રથમ વખત મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આજે સપ્તાહના આરંભે પણ ગરમીનું જોર વધુ રહેતા ગરમીનો પારો ૪૦.૭ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના કારણે મોડી સાંજ સુધી શહેરીજનોએ પરસેવે રેબઝેબ કરતી ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે મંગળવારે પણ ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ તાપમાન ૪૧થી ૪૫ ડિગ્રી વચ્ચે પહોંચી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ હોય, હીટવેવ કંડીશન રહેવાથી નાગરિકોએ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વધુમાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૩ ટકા અને પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.