જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ: પોલીસ બેડામાં ખળભળાટ : સાવરકુંડલાના SP દ્વારા વિવિધ ગાર્ડ પોઇન્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ કરાતા ગેરહાજર મળેલા પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
અમરેલી, : અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ 14 પોલીસ કર્મચારીઓને પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સાવરકુંડલાના એએસપી દ્વારા વિવિધ ગાર્ડ પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગેરહાજર મળી આવેલ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના વિવિધ ગાર્ડ પોઇન્ટ પર સાવરકુંડલા વિસ્તારના એએસપી વલય વૈદ્ય દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં મનસ્વી રીતે અધિકારીઓની મંજૂરી વગર જ ગેરહાજર રહેલ 14 કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગુજરાત રાજ્ય સેવા વર્તણુક નિયમો ૧૯૭૧ના નિયમ-૩ના ભંગ કરનાર જેલ ગાર્ડ,સિવિલ પ્રિઝનલ ગાર્ડ,ટ્રેજરી ગાર્ડ,એસપી કચેરી ગાર્ડ,ઇમર્જન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ વડા દ્વારા ફરજમાં ગેર શિસ્ત દાખવનાર જેલગાર્ડ ઉમેદકુમાર મનસુખલાલ મહેતા, જેલ ગાર્ડ હરેશભાઈ ધીરૂભાઈ મંડિર,સિવિલ પ્રિઝનલ ગાર્ડ કિશનભાઇ ભુપતભાઇ આંસોદરીયા,સિવિલ પ્રિઝનલ ગાર્ડ વિજયસિંહ રૂપસિંહ સોઢા, ટ્રેજરી ગાર્ડ જનકસિંહ અગરસિંહ ઝાલા, ટ્રેજરી ગાર્ડ સુરેશભાઈ નાજભાઈ ખુમાણ, ઈવીએમ ગાર્ડ કનુભાઈ જોતીભાઈ પલાસ, ઈવીએમ ગાર્ડ શીવાભાઈ ભાવસંગભાઇ જારસાણીયા, વેરહાઉસ ગાર્ડ ભગવતીબેન મોતીભાઈ પરમાર, વેરહાઉસ ગાર્ડ અરૂણાબેન સેંધાભાઇ ધરજીયા, એસપી કચેરી ગેટ- અશોકભાઈ ભાનુશંકરભાઇ ભટ્ટ, ઇમર્જન્સી સિવિલ ગાર્ડ દિગ્વિજયસિંહ રામસિંહ ચાવડા, ઇમર્જન્સી સિવિલ ગાર્ડ યુવરાજભાઈ અનકભાઈ વાળા, કોર્ટ પરિસર ગાર્ડ નીતીશકુમાર પ્રાગજીભાઈ રાઠોડને સસ્પેન્ડ કર્યા હતા.