Ahmedabad Police: અમદાવાદના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી 46 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે ગુરૂવારે (17મી એપ્રિલ) મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને 27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દરમિયાન આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે પહેલા તેને આજે શુક્રવારે (18મી એપ્રિલ) મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા પોલીસની બેદરકાર સામે આવી છે.
જાણો શું છે મામલો
આરોપી અર્જુન રાજપુતની પ્રાથમિક તપાસમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી છે. જ્યારે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં ત્રીજી માર્ચના રોજ 46 લાખ રૂપિયાની મત્તાની ઘરફોડ ચોરી થઇ હતી. જે બનાવ અંગે સેટેલાઇટ પોલીસની સાથે ડીસીપી ઝોન-7ના લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત
એલસીબી ઝોન-7ના સ્ટાફને કેટલાંક સીસીટીવી મળ્યા હતા. જેને ટ્રેક કરતા શંકાસ્પદ વ્યક્તિ એક નંબર પ્લેટ વિનાનું બાઇક લઇને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે 350 જેટલા સીસીટીવી ફુટેજ ટ્રેક કરવાની સાથે ચોક્કસ લોકેશનના મોબાઇલ નંબરની વિગતો એકઠી કરતા સમગ્ર કેસની તપાસ મહેસાણા રૂટ તરફ જતી હતી. સાથેસાથે ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી તપાસતા અગાઉ વડોદરામાં પણ ચોક્કસ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની કડી મળી હતી. છેવટે પોલીસને આ કેસમા અર્જુન રાજપુતની સંડોવણી ખુલતા પોલીસે તેને ઝડપીને તેની પાસેથી 26 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના સહિત કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.