Vadodara : આજરોજ ગુડ ફ્રાઇડે નિમિત્તે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ફોનિક્સ સ્કૂલ દ્વારા શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તે અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી. જે બાદ આખરે શાળા છોડવાનો નિર્ણય સંચાલકોએ લેવો પડ્યો હતો.
તાજેતરમાં આંબેડકર જયંતિ નિમિત્તે મકરપુરા વિસ્તારની ફોનેક્સ શાળાએ જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. જેથી શહેર કોંગ્રેસ દ્વારા તેનો સખ્ત વિરોધ કરવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપતા શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે જાહેર રજા હોવા છતાં મકરપુરાની ફોનિક્સ શાળાના સંચાલકોએ અહીં સવારે સવા સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જે અંગેની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને થતા તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતે ફરિયાદ કરી હતી. જેથી આખરે શાળા છોડવાનો નિર્ણય સંચાલકોએ લેવો પડ્યો હતો.