– આવકવેરા વિભાગે જારી કરેલું નોટિફિકેશન
– હેન્ડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ, સનગ્લાસ, પેઇન્ટિંગ, મૂર્તિઓ સહિતની વૈભવી વસ્તુઓની ખરીદી પર ટીસીએસ ચૂકવવો પડશે
નવી દિલ્હી : દસ લાખ રૂપિયાથી વધુ કીંમતના હેંડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ અને સ્પોટ્સ ર્વેર જેવી લકઝરી વસ્તુઓ પર હવે એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) લાગશે.
હાલમાં એક જાન્યુઆરી, ૨૦૨૫થી ૧૦ લાખ રૂપિયાથી વધુ કીંમતવાળા મોટર વાહનો પર એક ટકાના દરથી ટીસીએસ લગાવવામાં આવી રહ્યો છે.
આવકવેરા વિભાગે ૨૨ એપ્રિલ, ૨૦૨૫થી ૧૦ લાખ રૂપિયાથી વધુની વિશિષ્ટ લકઝરી વસ્તુઓના વેચાણ પર એક ટકા ટીસીએસ લગાવવા નોટિફિકેશન બહાર પાડયું છે.
ટીસીએસને નિર્દિષ્ટ વસ્તુઓના વેચાણના સમયે ખરીદનાર પાસેથી લેવામાં આવે છે તથા તેને આવકવેરા રિર્ટન ભરતી વખતે ખરીદનારની ટેક્સની રકમમાં એડજસ્ટ કરવામાં આવે છે.
ટીસીએસથી કોઇ વધારે આવક પ્રાપ્ત થતી નથી પરંતુ તેનાથી આવકવેરા વિભાગને ઉચ્ચ મૂલ્યના ખર્ચની માહિતી મેળવવામાં મદદ મળે છે કારણકે ખરીદતી વખતે પાન નંબર આપવાનો હોય છે.
દસ લાખ રૂપિયાથી વધુ કીંમતની લકઝરી વસ્તુઓ અને મોટર વાહન માટે ટીસીએસની જોગવાઇ ફાઇનાન્સ એક્ટ, ૨૦૨૪ના માધ્યમથી જુલાઇ, ૨૦૨૪ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. ટીસીએસ એકત્ર કરવાની જવાબદારી વેચનાર પર રહેશે. આ વૈભવી વસ્તુઓ જેવી કે કાંડા ઘડિયાળ, પેઇન્ટિંગ, મૂર્તિઓ, પ્રાચીન વસ્તુઓ, સિક્કા, ટિકિટ, હોડીઓ, હેલિકોપ્ટર, લક્ઝરી હેંડબેગ, સનગ્લાસ, શૂઝ, ઉચ્ચ કક્ષાના સ્પોર્ટસ વેર અને ઉપકરણો, હોમ થિયેટર સિસ્ટમ તથા રેસ કે પોલો માટે ઘોડાઓ પર લાગુ થશે.