અલ્લાહાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણીના વિવાદ વચ્ચે કલકત્તા હાઇકોર્ટનું અવલોકન
પીડિતાનું નિવેદન-પુરાવા રેપના પ્રયાસના ગુનાની તરફેણમાં નથી : 12 વર્ષની સજા આપતો ટ્રાયલ કોર્ટનો ચુકાદો સસ્પેન્ડ
કોલકાતા: પોક્સોના એક મામલાની સુનાવણી દરમિયાન કલકત્તા હાઇકોર્ટે કહ્યું હતું કે નશાની હાલતમાં સગીરાના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ પોક્સો કાયદા હેઠળ રેપનો પ્રયાસ ના ગણાય, આ માત્ર યૌન ઉત્પીડનના ગુનાની શ્રેણીમાં આવે. ટ્રાયલ કોર્ટ દ્વારા પોક્સોના એક કેસમાં આરોપીને દોષી ઠેરવવા અને સજા આપવાના આદેશને સસ્પેન્ડ કરતી વખતે કલકત્તા હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું.
હાઇકોર્ટના ન્યાયાધીશ અરિજિત બેનરજી, ન્યાયાધીશ બિસ્વરુપ ચૌધરીની બેંચે કહ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ જોતા લાગે છે કે પીડિતાના સ્તનને સ્પર્શ કરવો રેપનો પ્રયાસ નહીં પરંતુ યૌન ઉત્પીડનનો મામલો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું હતું કે પુરાવા અને પીડિતાના મેડિકલ રિપોર્ટ પરથી પ્રાથમિક દ્રષ્ટીએ લાગે છે કે આરોપીએ પીડિતા પર રેપનો પ્રયાસ નહોતો કર્યો. પીડિતાએ પણ કહ્યું હતું કે આરોપી નશાની હાલતમાં હતો અને તેણે સ્તન સ્પર્શ કર્યા હતા. આ પુરાવા પરથી લાગે છે કે પોક્સો કાયદાની કલમ ૧૦ હેઠળ યૌન ઉત્પીડનનો ગુનો આચરાયો છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ એવુ નથી સાબિત થતું કે આ રેપનો પ્રયાસ હતો. બંગાળના કુરસેઓંગની ટ્રાયલ કોર્ટે આરોપીને પોક્સો અને આઇપીસીની કલમ હેઠળ દોષિત ઠેરવ્યો હતો, અને ૧૨ વર્ષની સજા આપી હતી. આ નિર્ણય સામે આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી, આરોપીના વકીલ અશીમા માંડલાએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપીએ તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો, સ્તન સ્પર્શ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ નથી. માત્ર ટ્રાયલ કોર્ટમાં પીડિતાએ દાવો કર્યો હતો કે આરોપીએ તેને ઘરેથી જતા રોકતી વખતે સ્તન સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે આ મામલામાં યૌન ઉત્પીડનનો કેસ હોય તો પણ પાંચથી સાત વર્ષની સજા ગણાય. હાલમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે સસ્પેન્ડ કર્યો હતો અને હવે આગામી સુનાવણી બાદમાં કરવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉ અલ્લાહાબાદ હાઇકોર્ટના એક જજે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પાયજામાનું નાડુ ખોલવું, સ્તન સ્પર્શ કરવા રેપનો પ્રયાસ કર્યો છે તેવું ના ગણાય. અલ્લાહાબાદ હાઇકોર્ટના આ અવલોકનની સુપ્રીમે ટીકા કરી હતી હવે કલકત્તા હાઇકોર્ટે એક મામલામાં આ ટિપ્પણી કરી છે.