એડલ્ટ સામગ્રી રોકવા કોઇ ફિલ્ટર નથી : અરજદાર
જો એડલ્ટ સામગ્રી ના અટકાવી તો સમાજ પર તેની ગંભીર અસર થશે તેવો અરજદારનો દાવો
નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને ઓટીટી પર અશ્લિલ વીડિયો અને તસવીરો સહિતની સામગ્રી પર રોક લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે. સુપ્રીમ ૨૮મી તારીખે સોમવારે આ અરજીની સુનાવણી કરશે.
અરજીમાં માગણી કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર આવતી અશ્લિલ સામગ્રીની બાળકો અને સગીરો સહિતના લોકો પર ગંભીર અસર પડી રહી છે.
જેને અટકાવવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવે અને સાથે જ નેશનલ કોન્ટેન્ટ કન્ટ્રોલ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવે.
આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી આર ગવઇ, ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ દ્વારા કરવામાં આવશે. અરજદારે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારના ફિલ્ટર વગર જ એડલ્ટ સામગ્રી આપવામાં આવે છે, ઓટીટી પર પણ આવા કોઇ ફિલ્ટર નથી. જેને પગલે દેશના યુવાઓ અને યુવા અવસ્થામાં પ્રવેશી રહેલા સગીરોના મગજ પર ગંભીર અસર થાય છે. માટે તેને લઇને યોગ્ય પગલા લેવા માટે સરકારને આદેશ આપવામાં આવે. જો આવી એડલ્ટ સામગ્રીને અટકાવવામાં ના આવી તો તેની ગંભીર અસર સમાજ પર પડી શકે છે.